
અમદાવાદ,18 જુલાઇ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં શ્રી કચ્છ વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન વિશા શ્રીમાળી સમાજ(VBC સમાજ) દ્વારા નવનિર્મિત 'માતુશ્રી મણીબેન માવજીભાઈ સ્વરૂપચંદ વોરા VBC ભવન'નું લોકાર્પણ કર્યુ
લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ સમગ્ર ભવનની વર્ચ્યુઅલ ટૂર દ્વારા ઉપલબ્ધ આધુનિક સુવિધાઓની વિસ્તૃત માહિતી મેળવી હતી અને સમાજના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.સામાજિક ઉત્તરદાયિત્વની પરંપરાને પ્રબળ બનાવતા, VBC સમાજ તરફથી રાજ્યની દીકરીઓના શિક્ષણ માટે કાર્યરત 'મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ' યોજનામાં 1,11,111 નો ચેક આ ભંડોળમાં સહયોગરૂપે મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે VBC સમાજના ઉત્સાહ અને એકતાને બિરદાવતા જણાવ્યું હતું કે શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે સમાજનો કોઈ પણ વ્યક્તિ આર્થિક સંકડામણના કારણે વંચિત ન રહે તે માટે આ સમાજે હંમેશાં પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. અમદાવાદના હાર્દ સમાન જોધપુર વિસ્તારમાં આ ભવ્ય ભવનનું નિર્માણ એ ખરેખર ગૌરવની બાબત છે.
તાજેતરમાં જ ઉજવાયેલા અષાઢી બીજ અને કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને આત્મસાત કરીને આપણે આગળ વધવાનું છે. વડાપ્રધાનશ્રીએ દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો છે.
પર્યાવરણ અને ભવિષ્યની જરૂરિયાતોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘મિશન લાઈફ’ નો સંદર્ભ આપીને રોજબરોજની જિંદગીમાં પાણી, વીજળી અને પેટ્રોલ બચાવી પ્રકૃતિનું સંરક્ષણ કરવા આહ્વાન કર્યું હતું. દેશમાં હાઇડ્રોજન ટ્રેનના કાર્યારંભનો ગૌરવભેર ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોઈ પણ ક્ષેત્રમાં હવે ભારત પાછું પડે તેમ નથી અને વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નો સંકલ્પ અવશ્ય પૂરો થશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં વાગડ વિસ્તારની પાણીની જે વિકટ સમસ્યા લોકગીતોમાં વણાયેલી હતી, તેને વડાપ્રધાનએ નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચાડીને ભૂતકાળ બનાવી દીધી છે, શિક્ષણને કોઈપણ સમાજના પ્રગતિનો મજબૂત પાયો ગણાવતા મુખ્યમંત્રીએ સમાજના હિતના કાર્યોમાં રાજ્ય સરકાર હંમેશાં ખભેખભા મિલાવી સાથે ઊભી રહેશે તેવી ખાતરી આપી હતી.
આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સમાજની સખાવત અને સાહસિકતાને બિરદાવતા જણાવ્યું હતું કે, આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં અમદાવાદ શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે જોધપુર વિસ્તારમાં નિર્માણ પામેલું આ અત્યાધુનિક ભવન બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થશે. ઈસરો અને આધ્યાત્મિક સંસ્થાની સમીપ આવેલ આ સંકુલમાં ઉપલબ્ધ વિશાળ રૂમ્સ અને મલ્ટીપર્પસ હોલ જેવી સુવિધાઓ યુવાઓને મોટા વિચારો સાથે વૈશ્વિક ફલક પર આગળ વધવાની નવી ઊર્જા આપશે.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના અગ્રણી કીર્તિ સંઘવીએ પ્રાસંગિક પ્રવચન કરતા સંસ્થાની સામાજિક સેવા પ્રવૃત્તિઓની રૂપરેખા આપવાની સાથે નવનિર્મિત ભવનના નિર્માણ પાછળના ઉદ્દેશ્યો અને તેનાથી સમાજને મળનારા લાભો વિશે પ્રકાશ પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના જોધપુર વિસ્તારમાં નિર્માણ પામેલ આધુનિક સંકુલમાં સુવિધાજનક ગર્લ્સ હોસ્ટેલ, બોય્ઝ હોસ્ટેલ અને અતિથિ ભવનની ઉત્કૃષ્ટ વ્યવસ્થા છે. આ હાઇટેક ભવનમાં વિદ્યાર્થીઓ માટે હેલ્ધી અને હાઇજીનિક ફૂડ માટે વેલ-મેઇન્ટેન્ડ કિચન, શાંતિપૂર્ણ વાતાવરણ સાથેની અદ્યતન લાઇબ્રેરી, સંપૂર્ણ વાઇ-ફાઇથી સુસજ્જ કમ્પ્યુટર લેબ, ફિટનેસ માટે જીમ, સેમિનાર માટે કોન્ફરન્સ હોલ તથા વિશાળ કમ્યુનિટી હોલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ૨૪/૭ સુરક્ષા વ્યવસ્થા સાથે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ જેવી તમામ પાયાની સગવડોથી આ સંકુલને સજ્જ કરવામાં આવ્યું છે.
આ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી અને VBC સમજના અગ્રણી ધીરજ પારેખ સહિત ગુજરાત અને દેશ-વિદેશના વિવિધ સ્થળોએથી પધારેલા સમસ્ત VBC પરિવારના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ