
અમદાવાદ, 18 જુલાઇ (હિ.સ.) : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા પાંચ શંકાસ્પદ આતંકીની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી છે. કડી કોર્ટે આ પાંચેય આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન બોમ્બ બનાવવાનું અત્યંત જોખમી સાહિત્ય અને સામગ્રી મળી આવી છે, જેને પોલીસે જપ્ત કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. આરોપીઓએ આ વિસ્ફોટક સામગ્રી બિલાલ આબિદ શેખ નામના અન્ય શખ્સને પહોંચાડી હતી.
મહમદ અયુબ કડીવાલાની સઘન પૂછપરછ દરમિયાન તેણે મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ ગાંજીવાલા અને અન્ય આરોપીઓ સાથે મળી મસ્જિદમાં ભેગા થઈ દાવત કરેલ અને IED એસેમ્બલ કરી બ્લાસ્ટ કરતા શીખ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના આતંકી મદરેસા ના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડાવા માટે દાવત આપતા હતા. આતંકીઓ દ્વારા આવી કુલ ત્રણ દાવત આપવામાં આવી છે.
આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા પાંચ આતંકીઓને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડએ 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી દબોચ્યા હતા. ગુજરાતમાંથી જ થોડા સમય પહેલા ઝડપાયેલા 8 આતંકીઓ સાથે આ તમામ આતંકીઓ સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે.
આતંકીઓ ખતરનાક ઈરાદા ધરાવતા હોવાની વિગતો સામે આવ્યા બાદ ગુજરાત એટીએસ એ વધુ તપાસ શરૂ કરી છે. જેમાં ઝડપાયેલા પાંચ આતંકીઓ પૈકીના એક બિલાલ શેરા છેલ્લા એક વર્ષથી કઠવાડાની એક હોટલમાં રોકાયો હતો. હોટલમાં આવતા જતા સીસીટીવી પણ સામે આવ્યા છે. એટીએસની તપાસમાં બિલાલ રાત્રે સૂવા માટે જ હોટલ પર આવતો હતો અને જે પેમેન્ટ કરતો હતો તે રોકડથી જ કરતો હતો.
એટીએસના ડીઆઇજી સુનિલ જોશીએ જણાવ્યું કે,અગાઉ 8 આતંકીઓની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં બીજા 5 શકમંદના નામ સામે આવ્યા હતા. પાંચેયની પૂછપરછ કરતા તેઓ પણ આતંકી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ધરપકડ કરવાના આવી હતી. આરોપીઓ મળીને ગન પાઉડર બનાવતા હતા જેનું મટીરીયલ પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર ઓનલાઇન તથા લોકલ બજારથી ખરીદતા હતા. આતંકીઓએ ટાઈમર ડિવાઈઝ પણ ખરીદી હતી.
આતંકીઓને અગાઉ બનાસકાંઠા પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. પૂછપરછમાં આતંકી હોવાનું સામે આવ્યું હતું. આતંકીઓના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચરની PDF મળી હતી. આતંકીઓ જે બોમ્બ બનાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ PDF મળી હતી. કેવા બોમ્બ બનાવવા તેનું સાહિત્ય પણ મળ્યું હતું.
આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું. આતંકીઓ પ્રો-જેહાદી હોવાનું સામે આવ્યું છે. પ્રો-જેહાદી હોવાથી આ આરોપીઓ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. 5 આતંકીઓ પાસેથી મળેલ સાહિત્ય જૈશ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે. આતંકીઓની વિચારધારા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ