
જુનાગઢ, 18 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ અર્થે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરએ જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોને ઉકેલવા માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા. ખાસ કરીને પ્રજાકીય પ્રશ્નોનો સમયમર્યાદામાં સકારાત્મક ઉકેલ આવે તે માટે તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટરએ તાલુકા કક્ષાએથી જે પણ હુકમો થાય, તેની અમલવારી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોના સંદર્ભમાં સંબંધિત અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ પાણીના કુદરતી વહેણમાં અવરોધ, વીજ પુરવઠો, જાહેર પરિવહન, જાહેર માર્ગો પર દબાણ, નેશનલ હાઈવે, સિંચાઈ, આંગણવાડી અને ગ્રામ પંચાયતોનું નિર્માણ તેમજ પીવાના પાણી સહિતના પ્રજાકીય પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સંદર્ભમાં સંલગ્ન અધિકારીઓએ પ્રશ્નોના નિવારણ અર્થે પ્રત્યુત્તર પાઠવ્યા હતા અને તેના યોગ્ય ઉકેલ માટે પરામર્શ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિત જિલ્લા સંકલન સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ