વડોદરાની SSG હોસ્પિટલમાં ફાયર સિસ્ટમની આકસ્મિક તપાસ: ખખડધજ તંત્ર સામે સ્પેશિયલ ફાયર ઓફિસરની લાલ આંખ
વડોદરા, 19 જુલાઈ (હિ.સ.) : મધ્ય ગુજરાતની સૌથી મોટી અને સંજીવની ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) એકવાર ફરી વિવાદોના ઘેરાવમાં આવી છે. તાજેતરમાં જ હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમ અત્યંત જર્જરિત અને ખખડધજ હાલતમાં હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થયા હતા
અધિકારી


અધિકારી


વડોદરા, 19 જુલાઈ (હિ.સ.) : મધ્ય ગુજરાતની સૌથી મોટી અને સંજીવની ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) એકવાર ફરી વિવાદોના ઘેરાવમાં આવી છે. તાજેતરમાં જ હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમ અત્યંત જર્જરિત અને ખખડધજ હાલતમાં હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થયા હતા. આ ગંભીર બેદરકારી સામે આવતા જ વડોદરા મહાનગરપાલિકા (VMC) સંચાલિત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.

આજે રવિવારે હોસ્પિટલ પરિસરમાં ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વિના અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ (આકસ્મિક તપાસ) હાથ ધરવામાં આવ્યું હતું. લાખોના ખર્ચ બાદ પણ સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાનઆશરે ૩૭ એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી સયાજી હોસ્પિટલમાં નાની-મોટી થઈને કુલ ૧૩ જેટલી ઇમારતો આવેલી છે. આ તમામ ઇમારતોમાં હજારો દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને મેડિકલ સ્ટાફ ચોવીસ કલાક હાજર રહે છે. આ તમામની સુરક્ષા માટે દર વર્ષે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ફાયર સેફ્ટી સિસ્ટમ પાછળ લાખો રૂપિયાનો ધૂમ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, અવારનવાર આ કરોડોની સિસ્ટમ માત્ર કાગળ પર ચાલતી હોય અથવા તો બંધ હાલતમાં હોય તેવા સમાચારો અગાઉ પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગશે તેવી ભીતિ લોકોમાં સેવાઈ રહી હતી. સ્પેશિયલ ફાયર ઓફિસર નફિસ મલિકે પોતે કમાન્ડ સંભાળ્યોલાખો દર્દીઓના જીવ સાથે રમત રમતી આ ખખડધજ વ્યવસ્થાની ગંભીરતાને ધ્યાને લઈને વડોદરા ફાયર બ્રિગેડના સ્પેશિયલ ફાયર ઓફિસર નફિસ મલિકે પોતે ટીમ સાથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે તમામ ૧૩ ઇમારતોમાં જઈને ફાયર એક્સટિંગ્યુશર (અગ્નિશામક સિલિન્ડર), હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્પ્રિંકલર્સ અને ફાયર એલાર્મ જેવા તમામ સાધન સામગ્રીઓની કડકાઈથી આકસ્મિક ચકાસણી કરી હતી. મોક ડ્રિલ જેવી સ્થિતિ ઊભી કરીને સિસ્ટમ ખરેખર કામ કરે છે કે નહીં તેની વાસ્તવિકતા તપાસવામાં આવી હતી.

જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકીઆ સઘન તપાસ ઝુંબેશ પૂર્ણ થયા બાદ સ્પેશિયલ ફાયર ઓફિસર નફિસ મલિકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જે પણ સાધનો ક્ષતિગ્રસ્ત અથવા બિનકાર્યક્ષમ માલૂમ પડ્યા છે, તેનો ચોક્કસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના માળખામાં ફાયર સેફ્ટી જેવી સંવેદનશીલ બાબતમાં જરા પણ બેદરકારી ચલાવી લેવાશે નહીં. આ મામલે ક્ષતિગ્રસ્ત સાધનો બદલવાની સાથે જ જે પણ જવાબદાર અધિકારીઓ કે એજન્સીની ક્ષતિ જણાશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.કાગળ પર કાર્યવાહી થશે કે ભીનું સંકેલાશે? ફાયર વિભાગની આ સરપ્રાઈઝ વિઝિટથી હોસ્પિટલ પ્રશાસનમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જો કે, ભૂતકાળના અનુભવોને જોતા વડોદરાના નાગરિકોમાં હજુ પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. શું ફાયર વિભાગના આ ઉચ્ચ અધિકારીઓ ખરેખર કોઈ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરશે? કે પછી દર વખતની જેમ માત્ર નોટિસ આપીને, કાગળ પર જ ફોર્માલિટી પૂરી કરી સમગ્ર મામલે ભીનું સંકેલી લેવામાં આવશે? આ સવાલનો સાચો જવાબ તો હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ પૂરતું તો આ આકસ્મિક તપાસ વડોદરાના વહીવટી તંત્રમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande