
નવસારી, 19 જુલાઈ (હિ.સ.): નવસારી જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલી પોલીસની વિશેષ ઝુંબેશ દરમિયાન જલાલપોર પોલીસે એરૂ વિસ્તારમાં કાર્યવાહી કરીને એક યુવકને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના બંધ ક્વાર્ટર્સ નજીકથી પોલીસે અંદાજે 52 ગ્રામ ગાંજો, જેની કિંમત આશરે રૂ. 2,600 હોવાનું માનવામાં આવે છે, જપ્ત કર્યો હતો.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એરૂ ચાર રસ્તા નજીક જાની ફળિયા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી એરૂ ગામના રહેવાસી 24 વર્ષીય મનીષ મહેશ હળપતિને ગ્રાહકોને ગાંજો વેચતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી મળેલા ગાંજાના જથ્થાને કબજે કરીને તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ દરમિયાન આ કેસમાં વિજલપોર વિસ્તારની સુનિતા ઉર્ફે ભાભી રવિશંકર મંગલ ભારતીય નામની મહિલા પણ સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર કાર્યવાહી જલાલપોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ. જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે