
ગીર સોમનાથ 19 જુલાઈ (હિ.સ.)ગીર સોમનાથ જિલ્લામાં પ્રાથમિક બાળશિક્ષણને વધુ ગુણવત્તાસભર અને આનંદદાયક બનાવવા GHCL ફાઉન્ડેશનના સહયોગથી સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થાના 'વિધ્યાજ્યોત' પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે પ્રોજેક્ટ હેઠળ અભ્યાસ કરતા અંદાજે 2 હજાર બાળકોને ડોઇંગ શીટ અને ક્રેયોન કલર સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિધ્યાજ્યોત પ્રોજેક્ટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની 38, વેરાવળ તાલુકાની 29 અને તાલાલા તાલુકાની 5 મળી કુલ 72 આંગણવાડીઓમાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અમલમાં છે. તાલીમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનોને થીમ આધારિત શિક્ષણ, બાળગીતો, વાર્તા કહેવાની કળા, રમતગમત આધારિત શિક્ષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકોને આનંદ સાથે શીખવવાની અસરકારક પદ્ધતિઓનું પ્રાયોગિક નિદર્શન પણ કરાયું હતું.
પ્રોજેક્ટ સાથે જોડાયેલા 2 હજાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ બાળકોમાં સર્જનાત્મકતા, ચિત્રકલા પ્રત્યેનો રસ અને કલ્પનાશક્તિના વિકાસમાં ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં GHCL ફાઉન્ડેશનના જીતેન્દ્ર ભટ્ટ, વેરાવળ તાલુકાના સીડીપીઓ વિમળાબેન ભોયા તેમજ સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકેન્દ્રિત શિક્ષણ પદ્ધતિઓના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ પ્રકારની તાલીમથી આંગણવાડીમાં શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનશે અને બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.
GHCL ફાઉન્ડેશન અને સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી અમલમાં મૂકાયેલો 'વિધ્યાજ્યોત' પ્રોજેક્ટ, ગીર સોમનાથ જિલ્લાના હજારો બાળકો માટે ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ અને સર્જનાત્મક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ