
ગીર સોમનાથ, 19 જુલાઈ (હિ.સ.) : કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના વી.સી.હોલમાં માર્ગ સલામતિ સમિતી, હિટ એન્ડ રન કમિટી, ડિસ્ટ્રિક્ટ વોટર સાઇડ સેફ્ટી કમિટી સહિતની મેરેથોન મિટિંગો યોજાઈ હતી.
કાયદો અને વ્યવસ્થા સમિતિ, ડિસ્ટ્રિક્ટ કોસ્ટલ સિક્યુરિટી કમિટી, ડિસ્ટ્રિક્ટ નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટર કમિટી, હિટ એન્ડ રન કમિટી, ડિસ્ટ્રિક્ટ હાઈવે સેફ્ટી કમિટી તેમજ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજી અને વિવિધ મુદ્દાઓ પરત્વે સબંધિત અધિકારીઓ સાથે કલેક્ટરએ ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતાં.
કલેક્ટરએ સંલગ્ન વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવે છે અને અહીં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથનું ધામ આવેલું છે. જેથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જ્યાં પણ સુરક્ષાનો પ્રશ્ન છે તેવા સ્થળોએ જરાપણ ચૂક નહીં ચલાવી લેવાય. જ્યાં જરુર હોય ત્યાં ચુસ્ત બંદોબસ્ત તેમજ સી.સી.ટી.વી સહિતની વ્યવસ્થાઓ પરત્વે કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ પોલીસ વિભાગની આનુષાંગિક તૈયારીઓ તેમજ આવનાર મેળાવડા અને તહેવારોની પોલીસ બંદોબસ્તની આગોતરી તૈયારીઓ વિશે વિગતવાર ચિતાર આપ્યો હતો.
ડિસ્ટ્રિક્ટ કોસ્ટલ સિક્યુરિટી કમિટીની બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ફિશ લેન્ડિંગ સેન્ટરની ભૌતિક સુવિધા અને સુરક્ષા, સીસીટીવીની સુરક્ષા, માછીમાર બોટોની સુરક્ષા ચકાસણી તથા તે દરમિયાન ધ્યાને આવેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને તે પ્રવૃત્તિઓ અટકાવવા કરાયેલી કાર્યવાહી સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતાં.
માર્ગ સલામતિની બેઠકમાં કલેક્ટરએ માર્ગ અને સલામતીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને જાનહાનિ અને મૃત્યુદરમાં ઘટાડો કરવા માર્ગદર્શક સૂચનો આપ્યાં હતાં. તેમજ તેમણે જરુર જણાય તેવા સ્થળોએ રાજ્ય અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઈવેનું સંકલન સાધી અને સાઈનએજીસ, રમ્બલસ્ટ્રીપ્સ તેમજ રિફ્લેક્ટર્સ મૂકવા માટે સૂચન કર્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી સર્વ જે.વી.કાકડિયા, કે.આર.પરમાર સહિત ફિશરીઝ, માર્ગ અને મકાન વિભાગ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ સહિતના વિભાગોના અધિકારીઓ અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ