
પાટણ, 19 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજના કમિટીએ બેઠક યોજી હતી. બેઠકમાં શહેરની ગટર વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા ચાર મહત્વના પ્રસ્તાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી.
પદ્મકુટિર સોસાયટી નજીક કેનાલ પાસે નવું પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે સરકારી જમીન ફાળવવાની દરખાસ્ત મોકલવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ સ્થળ નિરીક્ષણ બાદ આ જગ્યા યોગ્ય હોવાનું જણાયું છે.
શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યા ઘટાડવા માટે નગરપાલિકા 11 નવી મોટરો ખરીદશે. તેમાં 100 HPની 5 અને 60 HPની 6 આધુનિક મોટરોનો સમાવેશ થાય છે, જેથી પમ્પિંગ સ્ટેશનોની કાર્યક્ષમતા વધશે.
વીજળી ગુલ થતાં પમ્પિંગ બંધ ન થાય તે માટે બહુચર, કરંડીયા, મીરા અને ઓલ્ડ હાંસાપુર પમ્પિંગ સ્ટેશનો માટે 4 હેવી જનરેટર ખરીદવાનો નિર્ણય લેવાયો છે. તેનાથી વીજ પુરવઠો ખોરવાય તો પણ ગટરના પાણીનો નિકાલ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ