
છોટાઉદેપુર, 19 જુલાઈ (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લામાં ગુનાઓ કરીને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ, છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઈ.એમ. શેખ અને બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો કાર્યરત છે. જે અંતર્ગત જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો નાસતા-ફરતા આરોપીઓની શોધખોળમાં હતા. તે દરમિયાન પોલીસને એક ચોક્કસ અને ખાનગી બાતમીદાર તરફથી હકીકત મળી હતી કે, છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન (દારૂબંધી)ના ગુનાનો એક આરોપી રંગપુર ખાતે આવ્યો છે.
બાતમીમાં આરોપીના કપડાંનું વર્ણન પણ મળ્યું હતું, જેમાં તેણે બદામી ગુલાબી કલરનું ગોળ ગળાવાળું ટી-શર્ટ અને બ્લુ (સહ) કલરનું નાઇટ પેન્ટ પહેરેલું હતું. આ ચોક્કસ બાતમીના આધારે જેતપુર પાવી પોલીસે રંગપુર બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. તે દરમિયાન બાતમી મુજબનો ઇસમ ત્યાંથી ચાલતો પસાર થતાં જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ લક્ષ્મણભાઈ જિદુભાઈ તેવાકલે (રહે. બોકડયા, વાકેલ ફળિયું, તા. કઠવાડા, જિ. અલીરાજપુર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસ રેકોર્ડની વધુ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ ઇસમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સી-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૨૦૨૫૪/૨૦૨૨ પ્રોહિબિશન કલમ ૬૫એ.ઇ, ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. જેતપુર પાવી પોલીસે આ પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મોટી સફળતા મેળવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ