બોટાદ જિલ્લામાં ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સામે સંયુક્ત તપાસ અભિયાન
બોટાદ, 19 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં ગ્લુ ટ્રેપ (Glue Trap/Glue Board/Sticky Trap)ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધના અસરકારક અમલીકરણ માટે પશુપાલન વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા વિશેષ તપાસ અને
તપાસ કરતા અધિકારીઓ


બોટાદ, 19 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લામાં ગ્લુ ટ્રેપ (Glue Trap/Glue Board/Sticky Trap)ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધના અસરકારક અમલીકરણ માટે પશુપાલન વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા વિશેષ તપાસ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત ગઢડા અને બરવાળા તાલુકાના વિવિધ મેડિકલ સ્ટોર્સ, અનાજ તથા કરિયાણાની દુકાનોમાં સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગ્લુ ટ્રેપના વેચાણ અંગે ચકાસણી કરવામાં આવી તેમજ વેપારીઓને રાજ્ય સરકારના પ્રતિબંધ વિશે વિગતવાર માહિતી આપી તેનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવી હતી. વેપારીઓને ગ્લુ ટ્રેપનો સંગ્રહ, વેચાણ કે ઉપયોગ ન કરવા પણ જણાવાયું હતું.

સંયુક્ત ટીમે વેપારીઓને પ્રાણી કલ્યાણ અને પ્રાણી ક્રૂરતા નિવારણ સંબંધિત કાયદાઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પશુપાલન નિયામકના જણાવ્યા મુજબ ગ્લુ ટ્રેપમાં માત્ર ઉંદરો જ નહીં પરંતુ અનેક પક્ષીઓ, સરિસૃપો અને અન્ય નિર્દોષ પ્રાણીઓ પણ ફસાઈ જાય છે, જેના કારણે તેમને લાંબા સમય સુધી અસહ્ય શારીરિક યાતનાઓ ભોગવવી પડે છે. આ પ્રકારની પ્રાણી ક્રૂરતા અટકાવવા અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા જાળવવાના હેતુથી રાજ્ય સરકારે તેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કર્યો છે.

જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવા સંયુક્ત તપાસ અને જાગૃતિ અભિયાનો નિયમિતપણે ચાલુ રહેશે.

પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અથવા ઉપયોગ કરતા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ વેપારીઓ અને નાગરિકોને પ્રાણી કલ્યાણ માટે જવાબદાર નાગરિક તરીકે પ્રતિબંધના અમલમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande