




કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) :કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ની સરકારી જમીન પર વર્ષોથી ઉભા કરાયેલા ગેરકાયદેસર વાણિજ્ય દબાણો સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટરશ્રીના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી સી. એમ. પ્રજાપતિની સૂચનાના આધારે કોઠારા, વરાડિયા, તુતરા અને ડુમરા ગામોની હદમાં વિશેષ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન સરકારી જમીનને દબાણમુક્ત કરવા સાથે માર્ગ સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
અભિયાન દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની સીમામાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા લારી-ગલ્લા, કેબિન, દુકાનો, શેડ, વેપારી પ્લેટફોર્મ સહિતના વિવિધ પ્રકારના વાણિજ્ય બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવાની કામગીરી સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંકલન સાથે કામગીરી બજાવી હતી. મામલતદાર રાકેશ પટેલ, સર્કલ ઓફિસર અનિલ રાઠોડ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પીયુષ રાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી.
કાર્યવાહીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ, માંડવી દ્વારા જેસીબી, ટ્રેક્ટર, મજૂર સ્ટાફ તેમજ જરૂરી મશીનરી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સઘન અભિયાનના પરિણામે અંદાજે 3,095 ચોરસ મીટર સરકારી જમીન ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 25.68 લાખ જેટલી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીનો મુખ્ય હેતુ માત્ર દબાણ દૂર કરવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગને વધુ સુરક્ષિત, અવરજવર માટે અનુકૂળ અને અકસ્માતમુક્ત બનાવવાનો પણ છે. માર્ગની બાજુમાં થયેલા ગેરકાયદે બાંધકામો દૂર થતાં વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને ભવિષ્યમાં માર્ગ વિસ્તરણ અથવા અન્ય વિકાસકાર્યોમાં પણ કોઈ અવરોધ ઉભો નહીં થાય.
વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગની સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ અથવા બાંધકામ સહન કરવામાં આવશે નહીં. જાહેર હિત, માર્ગ સલામતી અને સરકારી મિલકતના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આવી દબાણ હટાવ ઝુંબેશ આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar