ગાંધીધામ હત્યા કેસનો ચોંકાવનારો ભેદ: કોથળામાં મળેલી લાશની તપાસ છેક બિહાર સુધી પહોંચી, એક આરોપી ઝડપાયો
કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરની ભાગોળે રેલવે ટ્રેક નજીક ગંદા પાણીના નાળામાંથી કોથળામાં બંધ હાલતમાં મળી આવેલી એક યુવાનની લાશના રહસ્ય પરથી આખરે પડદો ઉઠ્યો છે. લગભગ બે અઠવાડિયા સુધી ચાલેલી સઘન તપાસ બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ અંધ હત્યાકાં
ગાંધીધામ હત્યા કેસનો આરોપી


કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ શહેરની ભાગોળે રેલવે ટ્રેક નજીક ગંદા પાણીના નાળામાંથી કોથળામાં બંધ હાલતમાં મળી આવેલી એક યુવાનની લાશના રહસ્ય પરથી આખરે પડદો ઉઠ્યો છે. લગભગ બે અઠવાડિયા સુધી ચાલેલી સઘન તપાસ બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ અંધ હત્યાકાંડનો ભેદ ઉકેલી એક આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે, જ્યારે તેના અન્ય બે સાથીદારોની શોધખોળ હજુ પણ ચાલુ છે.

ચાર જુલાઈના રોજ શાંતિલાલ ગોડાઉન નજીકના નાળામાં એક શંકાસ્પદ કોથળો પડ્યો હોવાની જાણ પોલીસને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. કોથળો બહાર કાઢીને ખોલતાં અંદરથી બંને પગ બાંધેલી અને સડી-ગળી ગયેલી હાલતમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. મૃતકની ઓળખ મેળવવા પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો, જેના આધારે સાંજ સુધીમાં મૃતકની ઓળખ ગાંધીધામની GIDC ઝૂંપડપટ્ટીમાં રહેતા 26 વર્ષીય પ્રકાશ તરીકે થઈ હતી.

અંતિમવિધિ પૂર્ણ થયા બાદ મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી તપાસ વધુ તેજ બનાવી હતી. શરૂઆતમાં કોઈ ચોક્કસ કડી હાથ ન લાગતાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. કલાકો સુધી ફૂટેજ ચકાસ્યા બાદ પ્રકાશ છેલ્લે કાર્ગો ઝૂંપડપટ્ટી તરફ જતો જોવા મળ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પ્રકાશ ગાયબ થયો તે સમયગાળા દરમિયાન ઝૂંપડપટ્ટીમાં રહેતા ત્રણ બિહારી મજૂરો સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે જ્યારે આ ત્રણેયની તપાસ શરૂ કરી ત્યારે તેઓ પોતાના રહેઠાણેથી ગાયબ હોવાનું સામે આવ્યું. ત્યારબાદ ટેક્નિકલ માહિતીના આધારે ત્રણેય બિહાર ભાગી ગયા હોવાની પુષ્ટિ થતાં પોલીસની વિશેષ ટીમ પટણા જિલ્લાના એક અંતરિયાળ ગામ સુધી પહોંચી હતી.

સ્થાનિક લોકોમાં ભળીને અને બિહારી પહેરવેશ ધારણ કરીને પોલીસે ગુપ્ત રીતે નજર રાખી હતી. લાંબી વોચ બાદ મુખ્ય શંકાસ્પદ લાલકુમાર મહતોને ઝડપી લેવામાં આવ્યો હતો. ગાંધીધામ લાવી પૂછપરછ કરતાં તેણે સમગ્ર ઘટનાક્રમ કબૂલી લીધો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આરોપીના જણાવ્યા અનુસાર, બનાવના દિવસે પ્રકાશ તેમના રહેઠાણ આસપાસ શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો હતો. ચોરીના ઇરાદે આવ્યો હોવાની શંકામાં તેને રોકી પૂછપરછ કરવામાં આવી હતી. તેના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન મળતાં શંકા વધુ મજબૂત બની હતી. ત્યારબાદ ત્રણેયે મળીને તેની સાથે મારઝૂડ કરી હતી. મારપીટ દરમિયાન પ્રકાશ બેભાન થઈ જતાં તેઓએ તેને મૃત માની લીધો હતો.

પોતાનો ગુનો છુપાવવા માટે ત્રણેય આરોપીઓએ પ્રકાશના બંને પગ બાંધી તેને કોથળામાં પેક કર્યો અને રાત્રિના અંધકારમાં રેલવે ટ્રેક નજીક આવેલા નાળામાં ફેંકી દીધો હતો. ત્યારબાદ તેઓ ટ્રેન મારફતે સીધા બિહાર ભાગી ગયા હતા.

હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે. બીજી તરફ, પ્રકાશનું મોત મારપીટથી થયું હતું કે બેભાન હાલતમાં નાળામાં ફેંકાતા થયું હતું, તે અંગેનો અંતિમ ખુલાસો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે.

ગાંધીધામ પોલીસે અંધ હત્યાના આ જટિલ કેસને માત્ર 14 દિવસમાં ઉકેલીને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. હવે સમગ્ર કેસમાં ફોરેન્સિક પુરાવા અને બાકીના આરોપીઓની ધરપકડ બાદ વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande