
કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મિલકત અને શરીર સંબંધિત ગંભીર ગુનાઓમાં વારંવાર સંડોવાયેલા મીઠીરોહર ગામના એક માથાભારે શખ્સને ચાર જિલ્લાની હદમાંથી તડીપાર કરવાની કાર્યવાહી અમલમાં મૂકી છે.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ જ દિશામાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની ટીમે આરોપીના ગુનાહિત ઇતિહાસની વિગતવાર તપાસ કરીને તેની સામે તડીપારની દરખાસ્ત તૈયાર કરી હતી.
આ દરખાસ્ત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અંજાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. રજૂ થયેલા પુરાવા અને આરોપીના ભૂતકાળના ગુનાઓને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરી હતી અને આરોપીને માત્ર કચ્છ જ નહીં પરંતુ કચ્છને અડીને આવેલા મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી પણ તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આરોપીને હસ્તગત કરીને તડીપારના આદેશનો અમલ કરાવ્યો હતો.
તડીપાર કરાયેલા આરોપીની ઓળખ અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ સોઢા (ઉંમર ૨૭ વર્ષ), રહે. મસ્જિદ ચોક, મીઠીરોહર, તાલુકો ગાંધીધામ તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે મિલકત અને શરીર સંબંધિત ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધાયો હતો. ઉપરાંત ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૩૧૨ અને ૬૧(૨) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૩માં અંજાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦(બી), ૩૨૩, ૩૬૫ અને ૩૯૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ પણ ગંભીર ગુનો નોંધાયો હતો.
પોલીસનું માનવું છે કે આરોપી સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાતો હોવાથી સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ સર્જાતો હતો. આવા તત્વો સામે તડીપાર જેવી કડક કાર્યવાહીથી ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેમજ જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
પૂર્વ કચ્છ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં પ્રોત્સાહન આપવામાં નહીં આવે અને અસામાજિક તત્વો સામે કાયદાની જોગવાઈ મુજબ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar