
કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી અને ખનિજના બિનઅધિકૃત પરિવહન સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બિનદસ્તાવેજી રીતે ખનીજનું પરિવહન કરતી બે ટ્રકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, એલસીબીની ટીમ ભુજ-માંડવી માર્ગ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે નારાણપર ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહેલી બે શંકાસ્પદ ટ્રકો પર નજર રાખવામાં આવી હતી. પોલીસે બંને વાહનોને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રક નંબર GJ 12 CV 4786 અને GJ 12 Z 0958માં કામરાઈ પથ્થર (ટોડા) ભરેલા હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસે ટ્રક ચાલકો પાસે ખનીજના પરિવહન સંબંધિત જરૂરી દસ્તાવેજો, રોયલ્ટી પાસ, બિલ તેમજ અન્ય કાયદેસર મંજૂરીપત્રો રજૂ કરવા જણાવ્યું હતું. જોકે બંને ટ્રકના ચાલકો કોઈપણ પ્રકારના માન્ય આધાર-પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખનીજનું પરિવહન નિયમો વિરુદ્ધ થતું હોવાની શંકા વધુ મજબૂત બનતાં પોલીસે બંને ટ્રકોને તાત્કાલિક ડિટેઇન કર્યા હતા.
બાદમાં સમગ્ર મામલો નિયમ મુજબની કાર્યવાહી માટે ખાણ અને ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. હવે વિભાગ દ્વારા ખનીજના સ્ત્રોત, પરિવહનની કાયદેસરતા તથા સંબંધિત જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એલસીબીની આ કાર્યવાહી બાદ ખનીજના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં કુદરતી સંપત્તિની ચોરી કે બિનઅધિકૃત પરિવહન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ વધુ સઘન ઝુંબેશ ચાલુ રહેશે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી પશ્ચિમ કચ્છના એએસઆઈ પંકજભાઈ કુશવાહ અને હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષીની સતર્કતા અને કામગીરીના પરિણામે સફળ બની હતી. તેમની ઝડપી કાર્યવાહીથી વધુ એક વખત ગેરકાયદે ખનીજ પરિવહન સામે પોલીસની કડક વલણ સ્પષ્ટ થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar