
કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને ખનીજની ચોરી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા વિસ્તારમાં કુદરતી સંપત્તિના ગેરકાયદે દુરુપયોગને અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તેમજ પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોને સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છે વધુ એક સફળ કામગીરી કરીને ખનન માફિયાઓ સામે કડક સંદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ પેટ્રોલિંગ અને બાતમીના આધારે વિસ્તારમાં દેખરેખ રાખી રહી હતી. દરમિયાન રાયધનઝરથી ચીરાસર તરફ જતો એક શંકાસ્પદ ટ્રક પોલીસની નજરે ચડ્યો હતો. ટ્રકને રોકી, તેની તપાસ હાથ ધરતાં તેમાં બ્લેક ટ્રેપ મેટલનો જથ્થો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. ખનીજના પરિવહન માટે જરૂરી દસ્તાવેજોની ચકાસણી દરમિયાન પ્રાથમિક તબક્કે ગેરરીતિની આશંકા ઉભી થતાં પોલીસે ટ્રક નંબર GJ 12 BV 4815ને કબજે લઈ ડિટેઇન કર્યો હતો અને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ હવે ટ્રકમાં ભરાયેલા બ્લેક ટ્રેપ મેટલનો સ્ત્રોત, ખનિજ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, તેની કાયદેસર રોયલ્ટી ભરવામાં આવી હતી કે નહીં તેમજ પરિવહન સંબંધિત તમામ દસ્તાવેજોની વિગતવાર તપાસ કરી રહી છે. તપાસ બાદ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવીની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના પરિણામે સફળ બની હતી. પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ ખનન અને પરિવહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
તાજેતરમાં જિલ્લામાં ખનીજ ચોરી અને ગેરકાયદે પરિવહનના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ, પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કને વધુ સક્રિય બનાવવામાં આવ્યું છે. પરિણામે આવી કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે કાયદેસર ખનિજ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar