નવસારીમાં LCBની કાર્યવાહી: દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો, રૂ. 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત
નવસારી, 19 જુલાઈ (હિ.સ.): નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગણદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઈ જતી એક SX4 કારનો પીછો કરીને તેને ઝડપી પાડી હતી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કારને ઝડપી હંકારી નાસ
Surat


નવસારી, 19 જુલાઈ (હિ.સ.): નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગણદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઈ જતી એક SX4 કારનો પીછો કરીને તેને ઝડપી પાડી હતી. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કારને ઝડપી હંકારી નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લાંબા પીછા બાદ એંધલ ગામ નજીક સર્વિસ રોડ પર કાર છોડીને ભાગવા જતાં આરોપીને પોલીસે સ્થળ પરથી જ ઝડપી લીધો.

કારની તપાસ દરમિયાન પોલીસે પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેમાં વ્હીસ્કી, વોડકા અને ટીન બીયર સહિત કુલ 444 નંગ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ વડોદરા નિવાસી અફઝલખાન કમરખાન અલીખાન પઠાણ (ઉંમર 35) તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, દારૂનો જથ્થો વડોદરાના બાજવા રોડ વિસ્તારના વીકી બાબુભાઈ માટે મંગાવવામાં આવ્યો હતો, જ્યારે દમણમાંથી એક અજાણ્યા શખ્સે કારમાં દારૂ ભરાવ્યો હતો. પોલીસે વીકી બાબુભાઈ, દમણના અજાણ્યા સપ્લાયર તેમજ કારના હાલના માલિક સહિત અન્ય સંડોવાયેલા શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande