રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિના મૂલ્યે વિતરણ
- રાજ્યમાં 7 ઔષધીય ઉદ્યાન કાર્યરત : ગાંધીનગર, વાંસદા (રૂપવેલ), ભુજ (નાની રેલડી), રાજપીપળા (જીતનગર), ઝાલોદ (વરોડ), પાલનપુર (વશી-દાંતા) અને આહવા-સાપુતારા ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : ગુજરાતમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષ
ઔષધીય ઉદ્યાન


ઔષધીય ઉદ્યાન


- રાજ્યમાં 7 ઔષધીય ઉદ્યાન કાર્યરત : ગાંધીનગર, વાંસદા (રૂપવેલ), ભુજ (નાની રેલડી), રાજપીપળા (જીતનગર), ઝાલોદ (વરોડ), પાલનપુર (વશી-દાંતા) અને આહવા-સાપુતારા

ગાંધીનગર, 19 જુલાઈ (હિ.સ.) : ગુજરાતમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યના સાત સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી ૨.૭૫ લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. બોર્ડ વ્યક્તિગત ઉપયોગ માટે ૧૦, શાળા-સંસ્થાઓને ૫૦ અને ખેડૂતો તથા જાહેર જમીન માટે ૫૦૦ સુધીના રોપા મફતમાં આપે છે. ગાંધીનગર ઉદ્યાનમાંથી ચંદનના રોપા માત્ર રૂ. ૨૦ના સબસિડાઇઝ્ડ દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વમાં કાર્યરત, આ ઉદ્યાનો માત્ર રોપા ઉછેરના કેન્દ્રો જ નહીં, પરંતુ આયુર્વેદિક જ્ઞાનના કેન્દ્રો તરીકે પણ વિકસ્યાં છે. દર વર્ષે આશરે ૨૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ, સંશોધકો અને આયુર્વેદના અભ્યાસીઓ અહીં મુલાકાત લઈ ઔષધીય વનસ્પતિઓનો પ્રત્યક્ષ અભ્યાસ કરે છે.

૨૦૦૨માં 'ન નફો, ન નુકસાન'ના ધોરણે સ્થાપિત ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડનો મુખ્ય હેતુ આયુર્વેદિક ફાર્મસીઓ અને પરંપરાગત ઉપચાર પદ્ધતિ માટે ગુણવત્તાયુક્ત ઔષધીય વનસ્પતિ ઉપલબ્ધ કરાવવાનો છે. બોર્ડ ઘરેલુ ઉપચાર અંગે જાગૃતિ ફેલાવવાની સાથે ખેડૂતોને ઔષધીય પાકોની વ્યાપારી ખેતી માટે સબસિડી પણ આપે છે.

બોર્ડ દ્વારા બજારની માંગને ધ્યાનમાં રાખીને વધુ નફાકારક ઔષધીય પાકોની ઓળખ, જંગલોમાં ઔષધીય વનસ્પતિનો વિસ્તાર, એનજીઓના સહયોગથી હરિયાળી અભિયાન અને યુનિવર્સિટીઓ સાથે સંશોધન જેવા કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે.

હાલમાં બોર્ડના સાત સરકારી ઉદ્યાનો ગાંધીનગર, વાંસદા (રૂપવેલ), ભુજ (નાની રેલડી), રાજપીપળા (જીતનગર), ઝાલોદ (વરોડ), પાલનપુર (વશી-દાંતા) અને આહવા-સાપુતારામાં કાર્યરત છે. અહીં તુલસી, ગળો, અરડૂસી, શતાવરી, અશ્વગંધા, બ્રાહ્મી, લીંડી પીપર અને હરડે સહિતની વિવિધ ઔષધીય વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે અને તેનું સંશોધન તથા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande