
મહેસાણા, 19 જુલાઈ (હિ.સ.) : વિસનગર તાલુકાના લાછડી ગામે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ‘વન કવચ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક ડૉ. બિંદુબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિ, લાછડીના સરપંચ નિકુલભાઈ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર દિનેશભાઈ પટેલ, વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ તેમજ વિસનગર શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો, ગ્રીન કમાન્ડો અને પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંકલ્પ લીધો હતો.
ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થા અને સામાજિક વનીકરણ વિભાગ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ રથ દ્વારા વિસનગર તાલુકાના વિવિધ ગામોમાં 11,000 રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ દરેક નાગરિકને વૃક્ષારોપણ સાથે જોડીને હરિયાળું અને સ્વચ્છ ગુજરાતના નિર્માણમાં સહભાગી બનાવવાનો છે.
આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, “વૃક્ષો આવનારી પેઢી માટેની સૌથી મોટી સંપત્તિ છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવવાનો સંકલ્પ છે.” તેમણે ડૉ. બિંદુબેન પટેલ, ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ગ્રીન કમાન્ડો અને સ્વયંસેવકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR