
મહેસાણા, 19 જુલાઈ (હિ.સ.) : વિસનગર તાલુકાના બાકરપુર ગામે રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 'ધનિષ્ઠ પશુ સુધારણા યોજના' અંતર્ગત રૂ. 43 લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા પશુ ઉપકેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસાણા ઘટક હેઠળ તૈયાર કરાયેલા આ ઉપકેન્દ્રમાં પશુઓની સારવાર માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી સ્થાનિક પશુપાલકોને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત પશુ ચિકિત્સા સેવાઓ મળી રહેશે.
આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ અને પશુપાલકોની સમૃદ્ધિ માટે સતત કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગામડાઓમાં રોડ, પાણી, ગટર અને વીજળી જેવી પાયાની સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, નવી ‘જી-રામજી (G-RAMJI)’ યોજના દ્વારા ગ્રામ પંચાયતોને માટી પુરાણ, મેટલિંગ અને એપ્રોચ રોડ જેવા વિકાસ કાર્યો સરળતાથી હાથ ધરવામાં મદદ મળશે.
મંત્રીએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં ‘ઈઝ ઓફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર સતત વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. બાકરપુરનું નવું પશુ ઉપકેન્દ્ર પશુધનની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે ગ્રામીણ અર્થતંત્રને પણ મજબૂત બનાવશે.
લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, પશુપાલન વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR