
જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત ‘સંસ્કૃત કક્ષ’નો લોકાર્પણ કાર્યક્રમ વિભાપર સ્થિત સરસ્વતી શિશુ મંદિર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સંસ્કૃત કક્ષને ખુલ્લો મૂકતાં તેમણે જણાવ્યું હતું કે, આજના સમયની માંગ પ્રમાણે મૂલ્યો અને કેળવણી આધારિત શિક્ષણ મેળવીને આપણે સૌ ‘વિશ્વ ગુરુ’ બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. આપણી પ્રાચીન પ્રણાલી અને ગૌરવશાળી પરંપરા થકી ‘વિકસિત ભારત’નું સ્વપ્ન કેવી રીતે સાકાર કરી શકાય, તે આ નવતર પહેલ દર્શાવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ ૫૦૦ સ્થળોએ આ પ્રકારના સંસ્કૃત ખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા એ વિશ્વની ૫૦ થી ૭૫ જેટલી મુખ્ય ભાષાઓની જન્મદાત્રી છે, જ્યારે અન્ય ૧૦૦ જેટલી ભાષાઓએ સંસ્કૃતમાંથી પ્રેરણા મેળવીને વિકાસ સાધ્યો છે. આજના ટેકનિકલ યુગમાં જે સંશોધનો થઈ રહ્યા છે, તે આપણા વેદો અને ઉપનિષદોના માધ્યમથી વર્ષો પહેલા જ વિશ્વ સમક્ષ મૂકવામાં આવ્યા છે. ભગવાન રામ અને કૃષ્ણના સમયની ગુરુકુળ શિક્ષણ પરંપરા પણ સંસ્કૃતથી જ છલકાતી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે, સમય જતાં તે દેશનું અસ્તિત્વ જ ભૂંસાઈ જાય છે. ભારતનો ઇતિહાસ, પ્રણાલિકાઓ, સંસ્કૃતિ અને સંસ્કારોને સંસ્કૃત ભાષાએ જ જોડી રાખ્યા છે. મેકોલે દ્વારા થોપવામાં આવેલી જૂની શિક્ષણ પદ્ધતિને બદલીને, આપણી પ્રાચીન પરંપરાને અનુસરતી નવી શિક્ષણ નીતિ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે જ આ સંસ્કૃત કક્ષનું નિર્માણ કરાયું છે.
આજે વિશ્વ એ જે યોગ અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવી છે, તે આપણી જ ધરોહર છે. સ્વચ્છતા, દીકરા-દીકરી સમાનતા, પર્યાવરણનું જતન અને સંસ્કારો સાથે આજની શિક્ષણ નીતિ આગળ વધી રહી છે, ત્યારે સૌ નાગરિકો દેશના વિકાસમાં સહભાગી બને તેવું તેમણે આહવાન કર્યું હતું.
આ સંસ્કૃત કક્ષનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યેની સમજ વધુ સુદ્રઢ બને અને તેઓ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો છે. આ કક્ષના માધ્યમથી વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ સમાજના લોકોને ચાણક્ય નીતિ, વૈદિક ગણિત, ઋતુચર્યા, આયુર્વેદ, નાટ્યશાસ્ત્ર, કલા અને કૃષિ વિજ્ઞાન જેવા વિવિધ વિષયોની રસપ્રદ માહિતી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ બનશે, જેથી સંસ્કૃત ભાષાને વહેવારમાં લાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt