પોરબંદરની હોસ્પિટલમાં યુવતી સાથે છેડતી, અભયમ 181ની મદદથી રોમિયો પોલીસ હવાલે
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પોતાના ભાઈની દેખરેખ માટે રોકાયેલી યુવતી સાથે એક યુવકે છેડતી કરતાં આખરે યુવતીએ રાજ્ય સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો. અભયમ ટીમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ય
પોરબંદરની હોસ્પિટલમાં યુવતી સાથે છેડતી, અભયમ 181ની મદદથી રોમિયો પોલીસ હવાલે


પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પોતાના ભાઈની દેખરેખ માટે રોકાયેલી યુવતી સાથે એક યુવકે છેડતી કરતાં આખરે યુવતીએ રાજ્ય સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સહારો લીધો હતો. અભયમ ટીમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી યુવતીને સાંત્વના આપી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી.

મળતી માહિતી મુજબ, યુવતી છેલ્લા બે દિવસથી પોતાના ભાઈની સારવાર દરમિયાન હોસ્પિટલમાં રોકાઈ હતી. તે દરમિયાન એ જ વોર્ડમાં સારવાર માટે આવેલા એક યુવકે યુવતી પાસે મોબાઇલ નંબર માંગ્યો હતો. યુવતીએ ઇનકાર કરતાં યુવક વારંવાર તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતો રહ્યો હતો. એટલું જ નહીં, યુવતીના ફોટા પણ પાડી લીધા હતા. યુવતીએ આ અંગે હોસ્પિટલના ડોક્ટરને જાણ કરતાં યુવક પાસેથી ફોટા ડિલીટ કરાવવામાં આવ્યા હતા. તેમ છતાં યુવકે પોતાની હરકતો ચાલુ રાખી યુવતીને પરેશાન કરતાં આખરે યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની કાઉન્સેલર અને સ્ટાફે સ્થળ પર પહોંચી યુવતીને જરૂરી માર્ગદર્શન અને હિંમત આપી હતી. ત્યારબાદ છેડતી કરનાર યુવકને કાયદાકીય પરિણામોની જાણ કરી 112 ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને બોલાવવામાં આવી હતી. બાદમાં યુવકને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં અભયમ 181ની કાઉન્સેલર મીરા માવદિયા, કોન્સ્ટેબલ સેજલ પંપાળીયા અને પાયલોટ ભગાભાઈ ગોહિલે કામગીરી બજાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande