જામનગર જિલ્લાની ITI સંસ્થાઓમાં દ્વિતીય રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: 22મી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની જામનગર જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલુ શૈક્ષણિક સત્ર વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ વ્યવસાયિક કોર્સોમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક સર્જાઈ છે. પ્રથમ તબક્કાની
આઈટીઆઈ જામનગર


જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની જામનગર જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલુ શૈક્ષણિક સત્ર વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ વ્યવસાયિક કોર્સોમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક સર્જાઈ છે.

પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ જુદા જુદા આઈ.ટી.આઈ. ટ્રેડોમાં બાકી રહેલી જૂજ ખાલી બેઠકો ભરવા માટે બીજા રાઉન્ડની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો આગામી તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યશ્રી દ્વારા જણાવાયું છે.

ચાલુ વર્ષની આ પ્રવેશ પ્રક્રિયામાં એડમિશન મેળવવા ઇચ્છુક અને નિયત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો ઓફિશિયલ પોર્ટલ https://itiadmission.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારના જે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય, ઈન્ટરનેટની સુવિધા ન હોય કે યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય, તેમના માટે જામનગર જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈ. ખાતે વિશેષ ‘હેલ્પ સેન્ટર’ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ હેલ્પ સેન્ટરો પર ઉમેદવારો કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વગર, સંપૂર્ણપણે વિનામૂલ્યે નિષ્ણાતોની દેખરેખ હેઠળ પોતાનું ઓનલાઈન એડમિશન ફોર્મ ભરાવી શકશે. આજની ઔદ્યોગિક જરૂરિયાતો મુજબ ટેકનિકલ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન કરી આત્મનિર્ભર બનવા માંગતા તેમજ ઉજ્જવળ રોજગારીની તકો મેળવવા ઈચ્છતા જામનગર જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

પ્રવેશથી વંચિત રહી ગયેલા તમામ લાયક ઉમેદવારોએ સમયમર્યાદાનું ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણે એટલે કે તા. ૨૨ જુલાઈ સુધીમાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા આચાર્ય દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande