



વડોદરા , 19 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના વડસર-કલાલી રોડ પર આવેલ નીલજગનાથ મહાદેવ મંદિરની સામે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાઈપલાઈન તૂટવાના કારણે લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર અને આસપાસની રહેણાંક સોસાયટીઓમાં ભરાઈ ગયું છે. સોસાયટીઓના કમ્પાઉન્ડ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોમાસા જેવી સ્થિતિ વચ્ચે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સ્થાનિકોમાં સતાવી રહ્યો છે. પાંચ દિવસથી સતત વહી રહેલા પાણી અંગે સ્થાનિક નાગરિકો દ્વારા વડોદરા મહાનગર સેવાસદન (VMC) ને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે તંત્ર જાગ્યું છે અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી છે. પાઈપલાઈનનું રિપેરિંગ કામ હાથ ધરવા માટે કોર્પોરેશન દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
તંત્રના જણાવ્યા અનુસાર, ભંગાણ સાંધવાની કામગીરી ચાલતી હોવાથી આગામી બે દિવસ સુધી આ વિસ્તારની સોસાયટીઓમાં પીવાના પાણીનો સપ્લાય સંપૂર્ણપણે બંધ રહેશે.એક તરફ પાંચ દિવસથી કિંમતી પાણીનો બગાડ થઈ રહ્યો છે અને સોસાયટીઓમાં પાણી ઘૂસી જવાથી લોકો પરેશાન છે, ત્યારે હવે આગામી બે દિવસ પાણી નહીં આવવાની જાહેરાતથી રહીશોની ચિંતા બમણી થઈ ગઈ છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ પૂરું કરવામાં આવે અને પાણી કાપ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ