પોરબંદરના ખેડૂતોને રાહત, સિંચાઈ માટે જળાશયોમાં પાણી છોડવાની કામગીરી શરૂ
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે એક ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા મગફળી સહિતના ખરીફ પાક પર સંકટ ઊભું થયું હતું. વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં પાક સુકાવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમ દુદા કારાવદરાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિત રજૂઆત કરીને સૌની યોજના હેઠળ ડેમ અને તળાવો તાત્કાલિક ભરવાની માંગ કરી હતી.ત્યારબાદ ઈશ્વરીયા, અડવાણા, રાણા રોજીવાળા અને સીમર ગામના અંદાજે 150 જેટલા ખેડૂતો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને રૂબરૂ મળ્યા હતા અને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત બાદ ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારે તાત્કાલિક સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. સૌની યોજના હેઠળ રાણા રોજીવાળા અને સીમર ગામના તળાવો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ધ્રોકડ ડેમમાં પણ પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ નાના જળસ્ત્રોતો ભરાયા બાદ બરડા પંથકની જીવાદોરી ગણાતા વર્તુ-2 ડેમ અને સોરઠી ડેમમાં પણ પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાશે.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે. ઈશ્વરીયા, અડવાણા, રાણા રોજીવાળા અને સીમર ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાના નિર્ણયને આવકારી સંતોષ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande