
બોટાદ, 19 જુલાઈ (હિ.સ.) : દેશના ભાવી નાગરિકો લોકશાહીની જટિલ પ્રક્રિયાને ગોખવાના બદલે પ્રેક્ટિકલ રીતે સમજી શકે તે માટે ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં એક અદભુત પ્રયોગ કરવામાં આવ્યો. શાળાના મહામંત્રી પદ માટે સંપૂર્ણ લોકશાહી ઢબે, ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટણી યોજાઈ હતી, જેમાં શાળાના ૭ ઉત્સાહી બાળ નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ચૂંટણી તંત્રથી લઈને સુરક્ષા સુધી... બધી જ કમાન બાળકોના હાથમાં!
આ સામાન્ય ચૂંટણી નહોતી, પણ અસલી ચૂંટણીનો આબેહૂબ ચિતાર હતો. શાળાના બાળકોએ વહીવટી તંત્રના જુદા જુદા પાત્રો ધારણ કરીને સમગ્ર પ્રક્રિયાને અત્યંત વ્યવસાયિક અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ કરી: વિદ્યાર્થીઓએ ચૂંટણી કમિશનર, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ અને B.L.O. તરીકે ટેબલ સંભાળીને કાયદેસરનું મતદાન કરાવ્યું હતું.
સુરક્ષા વ્યવસ્થા: મતદાન મથક પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે ખાખી વર્દી અને સૈનિકના ગણવેશમાં સજ્જ થઈને બાળકોએ લોખંડી સુરક્ષા પૂરી પાડી હતી.
સેવા અને દેખરેખ: આરોગ્ય કર્મચારીઓ, ઉમેદવારોના એજન્ટો અને પટ્ટાવાળા તરીકે પણ બાળકોએ પોતાની ભૂમિકા એટલી સચોટ નિભાવી કે જાણે કોઈ સાચું મતદાન મથક ન હોય!
પુસ્તકનું જ્ઞાન જ્યારે વર્ગખંડની બહાર નીકળીને વાસ્તવિકતા બને છે, ત્યારે સાચું શિક્ષણ સાકાર થાય છે. બાળકોમાં નેતૃત્વ, વહીવટી સમજ અને મતદાનની પવિત્રતાના સંસ્કાર રેડવા આ નાનકડું પણ મજબૂત પગલું હતું .
મતદાન પૂર્ણ થતાં જ શાળાના વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહીના આ મહોત્સવને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે બાળકોને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA