અમદાવાદ સિવિલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોએ 8 કલાક ઓપરેશન કરી જીવલેણ કેન્સર હરાવ્યું!
- કિડની અને હૃદયના કેન્સરની અતિ જટિલ સર્જરી સફળ: 50 વર્ષીય હંસાબેનને મળ્યું નવું જીવન અમદાવાદ, 20 જુલાઈ (હિ.સ.) : અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના નિષ્ણાત તબીબોની સંયુક્ત ટીમે તબીબી જગતમા
અમદાવાદ સિવિલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોએ 8 કલાક ઓપરેશન કરી જીવલેણ કેન્સર હરાવ્યું!


- કિડની અને હૃદયના કેન્સરની અતિ જટિલ સર્જરી સફળ: 50 વર્ષીય હંસાબેનને મળ્યું નવું જીવન

અમદાવાદ, 20 જુલાઈ (હિ.સ.) : અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના નિષ્ણાત તબીબોની સંયુક્ત ટીમે તબીબી જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. એક અત્યંત જટિલ અને પડકારજનક કિસ્સામાં, ૫૦ વર્ષીય મહિલા દર્દી હંસાબેનના કિડનીના કેન્સરની ગાંઠ સાથે હૃદયના જમણા કર્ણક (Right Atrium) સુધી ફેલાયેલા અત્યંત જોખમી 'ટ્યુમર થ્રોમ્બસ' એટલે કે લોહીના જામી ગયેલા ગઠ્ઠાને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યો છે. આશરે ૮ કલાક સુધી ચાલેલી ભારે જહેમત અને અત્યંત જટિલ સર્જરી બાદ તબીબોની ટીમે આ ગઠ્ઠાને સંપૂર્ણપણે બહાર કાઢીને મહિલાને નવું જીવન આપવામાં સફળતા મેળવી છે. બંને હોસ્પિટલોના તબીબોના અદ્ભુત સમન્વય અને તબીબી કૌશલ્યના કારણે સર્જાયેલી આ સફળતાની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.

સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની અત્યંત જટિલ સર્જરી, આઈ.સી.યુ. (ICU) કેર, કાર્ડિયોપલ્મોનરી બાયપાસ અને લોહી ચડાવવા સહિતનો કુલ ખર્ચ અંદાજે ₹૮ થી ૧૫ લાખ કે તેથી વધુ થતો હોય છે, જે મધ્યમ કે ગરીબ વર્ગના પરિવારો માટે અસહ્ય બની જાય છે. જોકે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રાજ્ય સરકારની લોકકલ્યાણકારી આરોગ્ય યોજનાઓના માધ્યમથી આ સંપૂર્ણ સારવાર દર્દીને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે આટલી મોંઘી સારવાર તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવીને સિવિલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોએ માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દર્દી હંસાબેનની તબીબી તપાસ દરમિયાન તેઓને ડાબી કિડનીમાં 'રીનલ સેલ કાર્સિનોમા' (Renal Cell Carcinoma) એટલે કે કિડનીનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. જોકે, તબીબો માટે આશ્ચર્ય અને ચિંતાની વાત એ હતી કે આ કેન્સર માત્ર કિડની પૂરતું મર્યાદિત નહોતું. કેન્સરમાંથી ઉદ્ભવેલો 'ટ્યુમર થ્રોમ્બસ' (લોહીનો ગઠ્ઠો) કિડનીની રીનલ વેઇન (મુખ્ય નસ) મારફતે શરીરના નીચલા ભાગમાંથી અશુદ્ધ લોહી હૃદય સુધી પહોંચાડતી મુખ્ય શીરા 'ઇન્ફિરિયર વેના કાવા' (IVC) માં ફેલાઈ ગયો હતો અને ત્યાંથી આગળ વધીને સીધો હૃદયના જમણા કર્ણક (Right Atrium) સુધી પહોંચી ગયો હતો. તબીબી વિજ્ઞાનમાં આ પ્રકારના કેસ અત્યંત જીવલેણ અને દુર્લભ - માત્ર ૧ ટકા દર્દીઓમાં જ જોવા મળતા ગણાય છે, જેમાં દર્દીનો જીવ બચાવવો એ તબીબો માટે એક મોટો પડકાર હોય છે.

તમામ રિપોર્ટ્સ અને વિવિધ વિભાગોના તબીબોના સઘન આયોજન-મલ્ટીડિસિપ્લિનરી પ્લાનિંગ બાદ, સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ અને યુ.એન. મહેતા હોસ્પિટલના કાર્ડિયાક સર્જરી (CTVS) વિભાગની સંયુક્ત ટીમે સતત ૮ કલાક સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું. આ અત્યંત જટિલ સર્જરીમાં કિડનીની ગાંઠ કાઢવાની સાથે હૃદય અને મુખ્ય નસમાંથી ગઠ્ઠો દૂર કરવા માટે 'કાર્ડિયોપલ્મોનરી બાયપાસ'-હૃદય-ફેફસાંનું મશીન અને શરીરનું તાપમાન નીચું લાવી લોહીનું પરિભ્રમણ થોડીવાર માટે અટકાવતી 'હાયપોથર્મિક સર્ક્યુલેટરી અરેસ્ટ' જેવી વિશ્વસ્તરીય લાઈફ-સપોર્ટ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સર્જરી દરમિયાન તબીબો સામે અનેક મોટા પડકારો હતા, જેમાં ઓપરેશન વખતે થતો ભારે રક્તસ્રાવ અટકાવવો, કેન્સરનો ગઠ્ઠો હૃદયમાંથી છૂટો પડીને ફેફસાં કે મગજની નસોમાં ફસાઈ જવાનું - એમ્બોલિઝમ જીવલેણ જોખમ ટાળવું અને દર્દીના બ્લડપ્રેશર સહિતના અન્ય માપદંડો સ્થિર રાખવા સામેલ હતા. જોકે, તબીબોની કુશળતાના કારણે આ પડકારો પાર પાડી શકાયા હતા. સર્જરીના બીજા જ દિવસે દર્દી હંસાબેનને વેન્ટિલેટર સપોર્ટમાંથી સફળતાપૂર્વક બહાર લાવવામાં આવ્યા છે અને હાલ તેમની તબિયતમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે.

આ ઐતિહાસિક અને સફળ સર્જરી કરવા બદલ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તબીબોની સંયુક્ત ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડૉ. શ્રેણિક શાહ, ડૉ. ધવલ દેસાઈ, ડૉ. નીરવ અગ્રવાલ, ડૉ. આકાશ ફૌઝદાર અને ડૉ. દર્શન પટેલ તેમજ યુ.એન. મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, CTVS વિભાગના ડૉ. જીગ્નેશ કોઠારી અને ડૉ. આકાશ શાહની પ્રશંસનીય કામગીરીને તેઓએ બિરદાવી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આજે ગરીબમાં ગરીબ દર્દીઓને પણ ખાનગી હોસ્પિટલો જેવી જ અત્યાધુનિક અને અતિ જટિલ સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક અથવા ખૂબ જ નજીવા ખર્ચે ઉપલબ્ધ બની રહી છે. આ સફળ સર્જરી એ આપણી દર્દી-કેન્દ્રિત સેવાઓ, આધુનિક ટેકનોલોજી અને બે મોટી સંસ્થાઓ વચ્ચેના ઉત્તમ સંકલનનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમારો મક્કમ સંકલ્પ છે કે, નબળી આર્થિક પરિસ્થિતિના કારણે રાજ્યનો કોઈ પણ જરૂરિયાતમંદ દર્દી ઉચ્ચ કક્ષાની સારવારથી વંચિત ન રહે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું

આ ઐતિહાસિક સફળતા અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ સફળ સર્જરી એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ વચ્ચેના ઉત્તમ સંકલન તેમજ 'મલ્ટિડિસિપ્લિનરી' -વિવિધ વિભાગોના સંયુક્ત અભિગમનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. બે મોટી સરકારી સંસ્થાઓના નિષ્ણાતો જ્યારે આ રીતે સાથે મળીને કામ કરે છે, ત્યારે જ તબીબી ક્ષેત્રે આવા ચમત્કારો શક્ય બને છે. આ મજબૂત સંકલનને કારણે જ આજે અત્યંત જટિલ કેન્સર પીડિત દર્દીઓને નવું જીવન અને આશાનું એક નવું કિરણ મળી રહ્યું છે.

આ જટિલ સર્જરી અંગે સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે કેસની ગંભીરતા સમજાવતા જણાવ્યું હતું કે, રીનલ સેલ કાર્સિનોમા (કિડનીના કેન્સર) ના દર્દીઓમાં 'વેનસ ટ્યુમર થ્રોમ્બસ' (નસોમાં લોહીનો ગઠ્ઠો જામવો) જોવા મળવાની શક્યતા માત્ર ૪ થી ૧૦ ટકા જ હોય છે, અને આ ગઠ્ઠો છેક હૃદય સુધી પહોંચી ગયો હોય તેવા કિસ્સા તો માત્ર ૧ ટકો જ નોંધાય છે. જો કેન્સર શરીરના અન્ય અંગોમાં ન ફેલાયું હોય (Non-metastatic) અને સમયસર આ પ્રકારની સંપૂર્ણ સર્જરી કરીને ગઠ્ઠાને દૂર કરવામાં આવે, તો દર્દીને લાંબા ગાળાનું તંદુરસ્ત અને સ્વસ્થ જીવન મળી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande