
અમદાવાદ, 20 જુલાઈ (હિ.સ.) : સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા(SPIPA), અમદાવાદ ખાતે સંસ્થાના મહાનિદેશક હારીત શુક્લાના માર્ગદર્શન હેઠળ 'સરદાર પટેલ સુશાસન મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમ (૨૦૨૬-૨૭)'ની ત્રીજી બેચના ઇન્ડક્શન અને તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) ના નાયબ મહાનિર્દેશક ચંદ્રેશ કોટક તથા મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી રાકેશ વ્યાસ, વહીવટી સુધારણા અને તાલીમ વિભાગના નાયબ સચિવ ડો. જયશંકર ઓધવાણી તેમજ સંયુક્ત સચિવ અને નોલેજ મેનેજર ઋતા ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સી.એમ. ફેલોને મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમના હેતુઓ અને તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પી. કે. લહેરીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં સી.એમ.ફેલોને પ્રામાણિકતા, નવીન જનકેન્દ્રિત અભિગમ અને સુશાસનના મૂલ્યોને આત્મસાત કરીને જાહેર જીવનમાં શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરણા આપી હતી.
ઉદઘાટન સત્રની પૂર્ણાહૂતિ બાદ પ્રથમ દિવસના તાલીમ કાર્યક્રમમાં Essence of Good Governance (સુશાસનનું સારતત્વ) વિષય પર પી. કે. લહેરી દ્વારા વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. તેમણે નૈતિક નેતૃત્વ, પારદર્શિતા, જવાબદારી અને અસરકારક જાહેર વહીવટના વિવિધ પાસાઓ અંગે પોતાના સમૃદ્ધ વહીવટી અનુભવના આધારે માર્ગદર્શન પૂરું પાડયું હતું.
વર્ષ ૨૦૨૬-૨૭ના બેચમાં ૧૫ નવા મુખ્યમંત્રી ફેલોઝની પસંદગી કરવામાં આવી છે. જ્યારે અગાઉના બેચના ૮ ફેલોઝ તેમના ચાલુ પ્રોજેક્ટ્સમાં સાતત્ય જળવાઈ રહે તે માટે કાર્યક્રમમાં યથાવત્ રહેશે. આ તમામ ફેલોઝ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નીતિ સંશોધન, સુશાસન, નવીનતા અને વિકાસલક્ષી પહેલોમાં સક્રિય યોગદાન આપશે.
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ ખાતેના ઇન્ડક્શન કાર્યક્રમ બાદ ફેલોઝ માટે કાર્યક્રમના નોલેજ પાર્ટનર 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA) ના સહયોગથી વિશેષ ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવશે.
સરદાર પટેલ સુશાસન મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમ યુવા વ્યાવસાયિકોની પ્રતિભા અને નિપુણતાને રાજ્યના વિકાસ સાથે સાંકળીને સુશાસનને વધુ મજબૂત બનાવવાની ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે. આ કાર્યક્રમ સુશાસન, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ