સુરતમાં બેંક લોકરમાં રાખેલા સોનાના બિસ્કિટ અંગે વિવાદ: 300 ગ્રામમાંથી માત્ર 65 ગ્રામ સોનું મળ્યાનો દાવો, પોલીસ તપાસ શરૂ
સુરત, 20 જુલાઈ (હિ.સ.) : સુરતના એક વેપારીએ કેનરા બેંકના લોકરમાં રાખેલા પત્નીના સ્ત્રીધન તરીકે મળેલા ત્રણ સોનાના બિસ્કિટમાં મોટો ગોટાળો થયો હોવાનો આક્ષેપ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીના જણાવ્યા મુજબ લગ્ન સમયે પત્નીને મળેલા 100-100 ગ્રામના
Surat


સુરત, 20 જુલાઈ (હિ.સ.) : સુરતના એક વેપારીએ કેનરા બેંકના લોકરમાં રાખેલા પત્નીના સ્ત્રીધન તરીકે મળેલા ત્રણ સોનાના બિસ્કિટમાં મોટો ગોટાળો થયો હોવાનો આક્ષેપ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીના જણાવ્યા મુજબ લગ્ન સમયે પત્નીને મળેલા 100-100 ગ્રામના ત્રણ બિસ્કિટ લાંબા સમયથી બેંકના લોકરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. જોકે, તાજેતરમાં લોકરમાંથી બિસ્કિટ બહાર કાઢીને તપાસ કરાવતા કુલ 300 ગ્રામમાંથી માત્ર અંદાજે 65 ગ્રામ જેટલું જ સોનું હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફરિયાદ અનુસાર, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન લોકરમાં રહેલો તમામ સામાન સંપૂર્ણ રીતે સુરક્ષિત હતો. ત્યારબાદ 18 ફેબ્રુઆરી 2026ના રોજ લોકર ખોલીને કિંમતી વસ્તુઓ ઘરે લઈ જવામાં આવી હતી. શંકા જતાં સોનાના બિસ્કિટની જવેલર્સ પાસે તપાસ કરાવવામાં આવી, જેમાં બિસ્કિટમાં સોનાનું પ્રમાણ ખૂબ ઓછું હોવાનું અને અગાઉ રહેલા હોલમાર્કના નિશાન પણ ન જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે વિવિધ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. તપાસમાં એ જોવામાં આવી રહ્યું છે કે બિસ્કિટ લોકરમાં જ બદલાયા હતા કે પછી લોકરમાંથી બહાર કાઢ્યા બાદ અથવા તપાસ માટે જવેલર્સ પાસે લઈ જવાના સમયગાળા દરમિયાન કોઈ ગેરરીતિ થઈ હતી. સાથે જ બેંકના સીસીટીવી ફૂટેજ, લોકર ઓપરેશન રેકોર્ડ અને સંબંધિત સ્ટાફની વિગતો પણ તપાસ હેઠળ લેવામાં આવી છે.

ફરિયાદમાં વર્ષ 2017માં લોકરની મૂળ ચાવી ગુમ થતાં નવી ચાવી બનાવવાની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે આ પ્રક્રિયા સાથે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. અઠવા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ પણ સમગ્ર ઘટનાની સમાંતર તપાસ કરી રહી છે. નોંધનીય છે કે થોડા મહિના પહેલા વડોદરામાં પણ બેંક લોકરમાંથી સોનાના દાગીના ગુમ થયાનો સમાન પ્રકારનો કેસ સામે આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande