
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના પ્રજાકીય પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ રજૂ થયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રજાલક્ષી કાર્યોમાં કોઈપણ પ્રકારની શિથિલતા સહન કરવામાં આવશે નહીં.
બેઠક દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રસ્તા, પાણી, વીજળી સહિતની માળખાકીય સુવિધાઓને લગતા લોકપ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને ઝડપી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ