


- પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઉત્પાદન વેચાણ માટે ઓનલાઈન એફ.પી.ઓ.નું લોન્ચિંગ
ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) : વેરાવળ તાલુકાના બાદલપરા ખાતે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે ઓનલાઈન એફ.પી.ઓ.નું ઉદ્ઘાટન અને 'એક ઓર્ડર, એક મોટું યોગદાન' અંતર્ગત માટી, ગાય અને ગામ માટે ત્રિ-દિવસીય ઝૂંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પ્રાકૃતિક કૃષિની જરુરિયાત સમજાવતા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતદેશની ખેતી ઝેરમુક્ત બને એ જરૂરી છે. સરકાર દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ દિશામાં સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. હાલ કેન્સર સહિતના અનેક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ રોગોના પ્રમાણને વધતું અટકાવવા પણ 'પ્રાકૃતિક કૃષિ, ઝેરમુક્ત ખેતી' આજના સમયની તાતી જરૂરિયાત છે.
ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, આવતી પેઢીને સંપૂર્ણ ઝેરમુક્ત ખોરાક મળે એ જરૂરી છે. પ્રાકૃતિક કૃષિથી જમીનમાં કાર્બનનું પ્રમાણ પણ વધે છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે તો આપોઆપ જમીનની ફળદ્રુપતા પણ વધે છે.
પ્રાકૃતિક કૃષિ એ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી. એક અભિયાન તરીકે સૌના સહિયારા પ્રયાસ થકી જ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી શકાશે એમ કહી તેમણે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અપીલ કરી હતી.
કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોવી બહુ સ્વાભાવિક છે. કૃષિમાં પણ એ નિયમ લાગુ પડે છે. વધી ગયેલા રાસાયણિક ખાતરના પરિણામે કૃષિપેદાશો સહિત જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચે છે. આ નુકસાનની ભરપાઈ પ્રાકૃતિક કૃષિ થકી જ થઈ શકે છે. જેમ સમસ્યા હોય છે એમ તેના ઉકેલ પણ હોય છે.
ગીર સોમનાથ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી તેમના પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતપેદાશોનું ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે ઘરેથી વેચાણ કરી ઝેરમુક્ત ખેતીમાં પોતાનું યોગદાન આપવા આહ્વાન કરતાં કલેક્ટરએ એક સામાન્ય ખેડૂત તરીકે પ્રાકૃતિક કૃષિક્ષેત્રના જાતઅનુભવો શેર કર્યા હતાં અને ઓનલાઈન એફ.પી.ઓ. લોન્ચ માટે શુભેચ્છા પાઠવી હતી.
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ પી.કે.સ્વર્ણકારે પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો તેમજ ગૌ યોગ કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. ઉપસ્થિત સર્વે ખેડૂતોએ ગૌ યોગ કેન્દ્ર ખાતે ઘનજીવામૃત યુનિટની તેમજ મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૌ યોગ કેન્દ્ર થકી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતઉત્પાદનોનું ઓનલાઈન પ્લેટફોર્મ મારફત વેચાણ થાય તે હેતુથી ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ઉપસ્થિતિમાં ઓનલાઈન એફ.પી.ઓ.ની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો https://gauyogkendr.com પર જઈને પ્રાકૃતિક ખેતી માટે વિવિધ ઉત્પાદનો ખરીદ-વેચાણ કરી શકશે.
પ્રાકૃતિક ખેતપેદાશોને વેગ આપવા પ્રકૃતિપ્રેમીઓ અને ૧૮ દેશોના સહયોગીઓ, ૩૫ આંતરરાષ્ટ્રીય સમર્થકો અને ૪૦૦થી વધુ વૈશ્વિક મિત્રો પ્રાકૃતિક જીવનમૂલ્યો સાથે માટીસંરક્ષણ, ગૌસેવા અને ગ્રામવિકાસ સાથે જોડાયાં છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી વિમલભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ, આગેવાનો, ગીર સોમનાથના વિવિધ તાલુકાઓમાંથી ઉપસ્થિત રહેલા પ્રાકૃતિક કૃષિકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ