
નવસારી, 20 જુલાઈ (હિ.સ.) : નવસારી જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે વાંસદામાં આંતરરાજ્ય સ્તરે ચાલી રહેલા અફીણના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે નિર્માણ રોડ નજીક આવેલા ભાડાના મકાન પર દરોડો પાડતાં પોલીસે બે રાજસ્થાનના રહેવાસી આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ અફીણનો જથ્થો છુપાવી સ્થાનિક ગ્રાહકોને વેચતા હોવાનું સામે આવ્યું છે.
દરોડા દરમિયાન પોલીસે પાણીના જગ અને સ્ટીલના ડબ્બામાં સંતાડેલું 1.155 કિલોગ્રામ અફીણ જપ્ત કર્યું હતું. ઉપરાંત અફીણના વેચાણમાંથી મળેલા રોકડા રૂપિયા, ડિજિટલ વજન કાંટો, એક ગ્રાન્ડ વિટારા કાર, બે મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 18.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં મંગલારામ જગમાલારામ અને ગણેશારામ ભવરલાલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દિનેશ ચુનીલાલ બિશ્નોઇ અને અન્ય એક અજાણ્યા યુવકને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ સામે વાંસદા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા તેમજ અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે