
જૂનાગઢ 20 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં તાર ફેન્સીંગ યોજના તેમજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના હેઠળ પૂર્વમંજૂરી મેળવનાર તમામ લાભાર્થી ખેડૂતોને નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી સહાય માટેની દરખાસ્ત રજૂ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં તાર ફેન્સીંગ યોજના હેઠળ તા. ૦૫-૦૬-૨૦૨૬થી સમયાંતરે કુલ ૪૦૮ ખેડૂતોને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. યોજનાની શરતો મુજબ લાભાર્થીએ પૂર્વમંજૂરી મળ્યાથી ૬૦ દિવસની અંદર તાર ફેન્સીંગનું કામ પૂર્ણ કરવાનું રહેશે.
તે જ રીતે, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના હેઠળ તા. ૨૫-૦૫-૨૦૨૬થી સમયાંતરે કુલ ૨૪૪ ખેડૂતોને પૂર્વમંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીએ પૂર્વમંજૂરી મળ્યાથી ૬૦ દિવસની અંદર કામગીરી શરૂ કરવી, કામગીરી શરૂ થયાનો ફોટો આઈ-ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવો તેમજ ગ્રામસેવક (ખેતી)ને જાણ કરવાની રહેશે. જો ૬૦ દિવસની અંદર કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો અરજી અને પૂર્વમંજૂરી આપોઆપ રદ થશે. ઉપરાંત, ગોડાઉનની સંપૂર્ણ કામગીરી પૂર્વમંજૂરી મળ્યાથી ૧૫૦ દિવસની અંદર પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.
બંને યોજનાઓના લાભાર્થીઓએ કામગીરી પૂર્ણ થયા બાદ જીપીએસ (અક્ષાંસ-રેખાંશ) સાથેના ફોટોગ્રાફ્સ, ખરીદીના તમામ બિલો તથા અન્ય જરૂરી સાધનિક દસ્તાવેજો પોતાના આઈ-ખેડૂત પોર્ટલના લોગિન દ્વારા ફરજિયાત અપલોડ કરી ક્લેઈમ સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ તમામ સાધનિક દસ્તાવેજો સાથે સહાય દરખાસ્ત સંબંધિત તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી)ને રજૂ કરવાની રહેશે.
નિયત સમયમર્યાદામાં સહાય દરખાસ્ત રજૂ કરવામાં નહીં આવે તો પૂર્વમંજૂરી રદ ગણાશે અને સહાય મેળવવાનો હક રહેશે નહીં. તેથી તમામ લાભાર્થી ખેડૂતોને સમયસર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી સહાય દરખાસ્ત રજૂ કરવા અનુરોધ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક (ખેતી) અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની અખાબરી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ