



કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : મુન્દ્રા તાલુકાના છસરા ગામ સ્થિત શ્રી છસરા જીવદયા કેન્દ્ર (પાંજરાપોળ)માં તાજેતરમાં આશરે ૩૦ વાછરડાના થયેલા કરુણ મોતની ઘટનાએ સમગ્ર કચ્છમાં ભારે ચર્ચા જગાવી છે. ગૌસેવા અને જીવદયાના મૂલ્યો સાથે છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત આ સંસ્થામાં બનેલી આ દુઃખદ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓ, સ્થાનિક ગ્રામજનો તેમજ સમાજના આગેવાનોમાં વ્યાપક ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના થોડા દિવસો બાદ પાંજરાપોળ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સમગ્ર મામલે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં મુંબઈ મહાજનના પ્રતિનિધિઓ, જૈન સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, છસરા ગામના સરપંચ ચેતનભાઈ આહીર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ પાંજરાપોળના વહીવટ અને પશુઓની સંભાળ સંબંધિત વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોનું કહેવું હતું કે ગૌવંશની યોગ્ય દેખરેખ અને સમયસરની કાળજીમાં રહેલી ખામીઓના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. આ ઘટનાની જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી. સાથે જ વર્તમાન સંચાલકને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરવાની માંગ વધુ પ્રબળ બની હતી.
બેઠક દરમિયાન ગૌસેવાની કામગીરી વધુ પારદર્શક, જવાબદાર અને વ્યવસ્થિત રીતે આગળ વધે તે માટે અનેક સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. પશુઓના આરોગ્ય, ખોરાક, દેખરેખ અને નિયમિત નિરીક્ષણ માટે મજબૂત વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો હતો. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વાછરડાઓ અને ગાયમાતાની સ્મૃતિમાં શોકસભાનું આયોજન કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો અને ટ્રસ્ટીઓએ આવી હૃદયદ્રાવક ઘટના ફરી ક્યારેય ન બને તે માટે કડક વહીવટી સુધારા અને જવાબદારી આધારિત કામગીરી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. હવે સમગ્ર મામલે ટ્રસ્ટ દ્વારા લેવામાં આવનારા નિર્ણયો અને પાંજરાપોળના સંચાલનમાં થનારા ફેરફારો પર સમગ્ર વિસ્તારની નજર કેન્દ્રિત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar