


કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : ભુજ તાલુકાના પધ્ધર વિસ્તારમાં આવેલા કનૈયાબે ગામ તરફ જતાં માર્ગ પર સોમવારે સવારે, એક અમૂલ દૂધના પાઉચથી ભરેલું માલવાહક વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ વાહનનો અચાનક ટાયર ફાટી જતાં, ચાલકે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. પરિણામે વાહન રોડ પરથી અસંતુલિત થઈ પલટી મારી ગયું હતું. અકસ્માત એટલો અચાનક સર્જાયો કે, વાહનમાં ભરેલા અમૂલ દૂધના હજારો પાઉચ રસ્તા પર વિખેરાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર માર્ગ પર દૂધના પેકેટો છવાઈ જતાં અનોખું દૃશ્ય સર્જાયું હતું.
અકસ્માતગ્રસ્ત વાહનનો નંબર GJ 12 BV 3916 હોવાનું જાણવા મળ્યું છે. વાહન પલટી જતાં તેમાં ભરેલો મોટાભાગનો માલ રસ્તા પર ફેલાઈ ગયો હતો અને વાહનને પણ નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. રસ્તા પર દૂધના પાઉચ વિખેરાઈ જતાં થોડા સમય માટે વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો અને બંને તરફ વાહનોની અવરજવર પર અસર જોવા મળી હતી.
સ્થાનિક લોકો અને પસાર થતાં વાહનચાલકોએ સાવચેતી રાખીને ટ્રાફિક વ્યવસ્થિત કરવામાં સહયોગ આપ્યો હતો. બાદમાં જરૂરી કામગીરી હાથ ધરાતા માર્ગ પરનો ટ્રાફિક ફરી સામાન્ય બન્યો હતો. અકસ્માત બાદ વાહનમાંથી છૂટેલો માલ એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાના કે, જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, જે રાહતની બાબત ગણાય છે. જોકે અકસ્માતના કારણે અમૂલના દૂધના પાઉચનો મોટો જથ્થો બગડ્યો હોવાનું તેમજ વાહનને પણ આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં ટાયર ફાટવું અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. માર્ગ પર દોડતા ભારે વાહનો માટે ટાયરની નિયમિત તપાસ અને તકેદારી કેટલી જરૂરી છે તે આ ઘટના ફરી એકવાર ઉજાગર કરે છે. સમયસર કાબૂ ગુમાવતા સર્જાયેલા આ અકસ્માતમાં જાનહાનિ ટળી જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar