


કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) : મુન્દ્રા તાલુકાના ટુંડા ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાની સરકારી મિલકત દબાણમુક્ત કરાવી છે. આશરે 2,512 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી અને અંદાજે ₹3.76 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી જમીન પર વર્ષોથી ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી સમગ્ર જમીન સરકારના કબજામાં લેવામાં આવી હતી.
આ કાર્યવાહી મુન્દ્રાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, મામલતદાર કલ્પનાબેન વ્યાસ તથા સ્થાનિક પોલીસ મથકના પી.આઈ. એસ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દુકાનો તથા અન્ય બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર આદમ બોટી (રહે. માંડવી), શાહિદ ચૌહાણ (રહે. ભુજ) અને સાલેમામદ કુંભાર (રહે. ટુંડા) દ્વારા ઉભી કરાયેલી બે દુકાનો તોડી પાડવામાં આવી હતી. ઉપરાંત મોટા કાંડાગરાના કિશોર મહેશ્વરી અને વિમલ મહેશ્વરીની એક-એક દુકાન પણ દૂર કરવામાં આવી હતી. માંડવીના અબ્દુલ ચાકીની દુકાન તેમજ ટુંડા વાંઢના વંકાભાઈ રબારી દ્વારા બનાવવામાં આવેલી બે ઓફિસો પર પણ તંત્રે બુલડોઝર ચલાવ્યું હતું.
આ ઉપરાંત કુલદીપસિંહ જાડેજા અને મોહિતસિંહ રાઠોડ દ્વારા સરકારી જમીન પર ઉભી કરાયેલી, સાત દુકાનોનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. ઇશાક અબડા અને જુમા અબડા દ્વારા બાંધવામાં આવેલી ચાર દુકાનો પણ તોડી પાડવામાં આવી હતી. તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને સરકારી જમીનને દબાણમુક્ત જાહેર કરવામાં આવી હતી.
આ કાર્યવાહી બાદ ભૂમાફિયાઓ અને સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે સરકારી મિલકતો પર કોઈપણ પ્રકારનું દબાણ સહન કરવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આવા ગેરકાયદેસર દબાણો સામે સતત ઝુંબેશ ચાલુ રહેશે. તંત્રની આ કડક કાર્યવાહીથી અન્ય દબાણકર્તાઓ માટે પણ સ્પષ્ટ સંદેશ ગયો છે કે સરકારી જમીન પરનો ગેરકાયદેસર કબજો હવે કોઈપણ સંજોગોમાં ચાલશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar