
અમદાવાદ, 20 જુલાઇ (હિ.સ.) : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ ગામડાઓમાં દીપડા દેખાતા હોય છે, પરંતુ હવે અમદાવાદ શહેરમાં દીપડા ઘૂસી ગયા હોવાની ઘટના બની છે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં દીપડાની એન્ટ્રીથી રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. બોપલના ઘુમા વીઆઇપી રોડ પર આવેલી સરનદીપ મેન્શનમાં રવિવારે મોડી રાત્રે દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે.
આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેના આધારે વનવિભાગે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.
ઘુમા ગામ નજીક દીપડો દેખાયો છે. રાત્રિના સમયે દીપડો આવી ગયો હતો જે મામલે સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓને જાણ કરી છે. ઘુમા અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ દ્વારા અત્યારે દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સોસાયટીમાં દીપડાના પંજા હોવા અંગેની કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ત્રણથી ચાર જગ્યાએ દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે જેથી દીપડો હોવાનું સ્પષ્ટ થયું છે.
મળતી માહિતી મુજબ શહેરના છેવાડાના વિસ્તાર ઘુમા ગામથી શેલા તરફ જવાના રોડ ઉપર આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે 1:50 વાગ્યા બાદ દીપડો દેખાયો હતો. સોસાયટીનો કોટ કૂદી અને દીપડો સોસાયટીમાં આવ્યો હતો. રવિવારે મોડી રાત્રે બે રહેવાસીઓ આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને રોડ પર દીપડો દેખાતા ચોંકી ઉઠ્યા. ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવાર અને સોસાયટીના લોકોને કરી હતી. જે બાદ આ લોકો સતર્ક થઈ ગયા હતા અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા.
સોસાયટીમાં દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે.
શેલા અને ઘુમા ગામની આસપાસના વિસ્તારમાં દીપડો જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
સ્થાનિક નાગરિકો દ્વારા આ મામલે મેયર હિતેશ બારોટને જાણ કરવામાં આવી હતી જેના પગલે તાત્કાલિક સવારે તેઓ શરણદીપ સોસાયટી ખાતે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી અને વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ સાથે તેઓ સ્થળ પર જ પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે હાલમાં દીપડો કઈ તરફ ગયો હોય તેની તપાસ કરીને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ