

- સવારે 5 વાગ્યે આગ લાગતા દોડધામ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
વડોદરા, 20 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ નજીક વહેલી સવારે એક દુકાનમાં ભીષણ આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સવારે અંદાજે 5 વાગ્યે અચાનક આગ ફાટી નીકળતા જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર ટેન્ડરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.
આગ લાગવાના કારણે દુકાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું હાલ સુધી જાણવા મળ્યું નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ