
ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાલવદર, નવા સાંગાણા, કામળોલ સહિત આસપાસના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર પંથકમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ધીમીથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં સારા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાવેતર કરેલા પાકને નવજીવન મળ્યું છે.
વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળી, કપાસ, તલ અને અન્ય ખરીફ પાક માટે આ વરસાદ ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. ખેતરોમાં પૂરતો ભેજ સર્જાતા પાકના વિકાસને ગતિ મળશે અને ઉત્પાદન સારું રહેવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
વરસાદના કારણે ગામડાઓમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે. લાંબા સમય બાદ સારો વરસાદ થતાં પશુઓ માટે ચારો ઉપલબ્ધ થવાની સાથે જ તળાવો અને નાના જળાશયોમાં પણ નવા પાણીની આવક શરૂ થઈ છે.
ખેડૂતોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહેશે તો ખેતી માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને સારો પાક મળવાની આશા વધુ મજબૂત બનશે. મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર તળાજા પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA