આંબલિયાસણની શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ, 370 વિદ્યાર્થીનીઓને મેન્સ્ટ્રૂપીડીયા કોમિકનું વિતરણ
મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના આંબલિયાસણ સ્થિત શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં કે.કે. ભેદરું ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કિશોરીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક કાર્યકર નમીરા મકરાણી અને શાળાના શિક્ષક હિતેશ
આંબલિયાસણની શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ, 370 વિદ્યાર્થીનીઓને મેન્સ્ટ્રૂપીડીયા કોમિકનું વિતરણ


મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના આંબલિયાસણ સ્થિત શ્રી સાર્વજનિક વિદ્યાલયમાં કે.કે. ભેદરું ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કિશોરીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક કાર્યકર નમીરા મકરાણી અને શાળાના શિક્ષક હિતેશ ગોહિલના માર્ગદર્શન હેઠળ ધોરણ 6થી 10માં અભ્યાસ કરતી 370 વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્ય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં માસિક ધર્મ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા સાથે વ્યક્તિગત સ્વચ્છતા, સેનેટરી પેડનો યોગ્ય ઉપયોગ, સમયસર પેડ બદલવાનું મહત્વ, વપરાયેલા પેડનો સુરક્ષિત નિકાલ તેમજ પોષણ અને આરોગ્યની કાળજી અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તમામ વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક 'મેન્સ્ટ્રૂપીડીયા' કોમિકનું વિતરણ કરવામાં આવ્યું, જેથી તેઓ માસિક ધર્મ અંગે વૈજ્ઞાનિક અને સચોટ માહિતી મેળવી શકે. શાળાના શિક્ષક હિતેશ ગોહિલે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

શાળાના આચાર્ય પી.કે. સોલંકીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો માસિક ધર્મ અંગે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ અને સંકોચ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પહેલ 'સ્વસ્થ બાળકી – શિક્ષિત બાળકી – સશક્ત સમાજ'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande