
મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સંબંધિત રાજ્યસ્તરીય સમીક્ષા બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. બેઠકમાં રાજ્યભરના શહેરી વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન, ગટર વ્યવસ્થાપન, કચરાના વૈજ્ઞાનિક નિકાલ, સ્વચ્છતા અભિયાન તેમજ પર્યાવરણને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ NGT દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓના અસરકારક અમલીકરણ અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મહેસાણા શહેરમાં સ્વચ્છતા જાળવવા, ઘન કચરાના યોગ્ય નિકાલ, ગટર વ્યવસ્થામાં સુધારો અને પર્યાવરણને અનુકૂળ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલનથી કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા માટે હાથ ધરવામાં આવતી યોજનાઓના અસરકારક અમલ તેમજ NGTની માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR