
મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામે મહેસાણા વન વિભાગના આયોજન હેઠળ 'વન કવચ વૃક્ષારોપણ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એકસાથે 16,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણમાં ભાગ લઈ ઉપસ્થિત ગ્રામજનો, યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવા, વરસાદનું પ્રમાણ વધારવા, પ્રદૂષણ ઘટાડવા અને આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવા માટે અત્યંત જરૂરી છે.
પ્રસંગે હરિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પર્યાવરણલક્ષી અભિયાનોની પણ ચર્ચા કરવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં હરિત વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, મહિલાઓ અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને હરિયાળા તથા પર્યાવરણમૈત્રી ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપ્યો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR