


- સોનમ વાંગચુકના સમર્થન અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે રેલીનું આયોજન
વડોદરા, 20 જુલાઈ (હિ.સ.) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના આર્ટ્સ ફેકલ્ટી વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી રેલી પહેલાં સયાજીગંજ પોલીસે કાર્યવાહી કરી અનેક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓએ આર્ટ્સ ફેકલ્ટી પાસે આવેલા મહાદેવ મંદિરથી ડી.એન. હોલ સુધી પગપાળા રેલી યોજવાનું આયોજન કર્યું હતું. આ રેલી સોનમ વાંગચુકના સમર્થન તેમજ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કાઢવામાં આવવાની હતી.
વિદ્યાર્થીઓ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા રેલી માટે આગળ વધતા જ સયાજીગંજ પોલીસે તેમને અટકાવી કસ્ટડીમાં લીધા હતા. જેના કારણે આર્ટ્સ ફેકલ્ટી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ