
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : ચોરી થયેલા મોપેડ અંગે નોંધાયેલી ઈએફઆઈઆરના આધારે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપીને ચોરાયેલા વાહન સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા કીર્તિમંદિર પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. લીમડા ચોક શાકમાર્કેટ પાસે રહેણાંક મકાનની બહારથી મોપેડ ચોરી થયાની ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી.દરમિયાન હ્યુમન સોર્સિસ મારફતે મળેલી બાતમીના આધારે પોલીસે લાકડીબંદર પુલ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી મોપેડ લઈને પસાર થઈ રહેલા મનીષ ગીગાભાઈ મઢવી (ઉ.વ. 37), રહે. સાઈબાબા મંદિર પાસે, રેલવે સ્ટેશન વિસ્તાર, પોરબંદરને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી પાસેથી ચોરી થયેલું હોન્ડા કંપનીનું કાળા રંગનું એક્ટિવા (રજિસ્ટ્રેશન નંબર GJ-03-CD-6341) કબજે લેવામાં આવ્યું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સર્વેલન્સ સ્ટાફ અને કીર્તિમંદિર પોલીસના કર્મચારીઓએ ઝડપી અને અસરકારક કામગીરી બજાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya