
વડોદરા,20 જુલાઈ (હિ.સ.) વારંવારની રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં, ચોમાસામાં દર વર્ષે સર્જાય છે હાલાકી
વડોદરા શહેરના દિનેશ મિલ ગરનાળામાં ફરી એકવાર ગટરનું પાણી રોડ પર ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સોમવારની વહેલી સવારે ઓફિસ અને કામધંધે જવાના સમયે ગરનાળામાં પાણી ભરાઈ જતાં અવરજવર પ્રભાવિત થઈ હતી.
રોડ પર ગટરનું પાણી ભરાઈ જતાં અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા. કેટલાક વાહનચાલકોએ પાણીની સ્થિતિ જોઈ પોતાનું વાહન પાછું વાળી દીધું હતું, જ્યારે મહિલાઓ સહિત અનેક લોકોને ગંદા પાણીમાંથી ચાલીને પસાર થવાની ફરજ પડી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા નવી નથી. ચોમાસા દરમિયાન દિનેશ મિલ ગરનાળામાં દર વર્ષે ગટરનું પાણી ભરાઈ જતું હોવાથી રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
વિસ્તારના રહીશોએ તંત્ર પાસે આ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે, જેથી ચોમાસા દરમિયાન લોકોને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હવે જોવાનું રહેશે કે સંબંધિત વિભાગ આ સમસ્યાના નિરાકરણ માટે ક્યારે અસરકારક કામગીરી હાથ ધરે છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ