
ભાવનગર,20 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ સમાજના વિવિધ વર્ગો માટે નિઃસ્વાર્થ ભાવથી સેવા આપી રહી છે. તેમાં ભાવનગર શહેરમાં કાર્યરત શ્રી પાર્શ્વભક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાકાર કરતી સંસ્થા તરીકે આગવી ઓળખ ધરાવે છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારો માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચલાવવામાં આવી રહી છે.
ટ્રસ્ટ દ્વારા હાલમાં ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા આશરે 1,300થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને દર મહિને નિઃશુલ્ક અનાજ કિટ તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શાળા ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો, નોટબુક અને અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેમના અભ્યાસમાં કોઈ વિઘ્ન ન આવે.
સંસ્થા દ્વારા નિરાધાર, વૃદ્ધ અને અશક્ત લોકોને રોજિંદી ટિફિન સેવા પણ આપવામાં આવે છે. લાભાર્થીઓના ઘરે તૈયાર ભોજન પહોંચાડવાની વ્યવસ્થાથી અનેક લોકોનું જીવન સરળ બન્યું છે. સાથે જ જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ, મેડિકલ સારવાર, મોંઘા ટેસ્ટ, એમ.આર.આઈ., ઓપરેશન સહિતની આરોગ્ય સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ ઉપરાંત ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન માટે કરિયાવર સહાય, અંતિમવિધિ માટે આર્થિક સહાય, ધાર્મિક યાત્રાનું આયોજન, કુદરતી આફતો દરમિયાન રાહત સામગ્રીનું વિતરણ અને નિયમિત રક્તદાન કેમ્પોનું આયોજન પણ કરવામાં આવે છે.
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો અને દાતાઓના સહયોગથી છેલ્લા બે દાયકાથી સતત ચાલી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિઓ હજારો પરિવારોના જીવનમાં આશા, આત્મવિશ્વાસ અને માનવતાનો પ્રકાશ ફેલાવી રહી છે. શ્રી પાર્શ્વભક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આજે ભાવનગર જિલ્લામાં સમાજસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA