પોરબંદરના મજીવાણા સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કૃષિ વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય કૌશલ્યવર્ધન અને સ્વરોજગારલક્ષી તાલીમ યોજાઈ.
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં નાયબ બાગાયત નિયામક કચેરી હેઠળ કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ, મજીવાણા ખાતે કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય કૌશલ્યવર્ધન અને સ્વરોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ર
પોરબંદરના મજીવાણા સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કૃષિ વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય કૌશલ્યવર્ધન અને સ્વરોજગારલક્ષી તાલીમ યોજાઈ.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં નાયબ બાગાયત નિયામક કચેરી હેઠળ કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ, મજીવાણા ખાતે કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 15 દિવસીય કૌશલ્યવર્ધન અને સ્વરોજગારલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં રાજકોટની મારવાડી યુનિવર્સિટીના બી.એસસી. એગ્રીકલ્ચર અભ્યાસક્રમના કુલ 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 3 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. ઉપરાંત, જુનાગઢની સુભાષ યુનિવર્સિટીના બી.એસસી. એગ્રીકલ્ચરના સાતમા સેમેસ્ટરના 11 વિદ્યાર્થીઓએ રાવે (RAWE) કાર્યક્રમ અંતર્ગત તાલીમમાં ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક કૃષિ ઇનપુટ્સ તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. શાકભાજીના રોપા (ધરુ) તૈયાર કરવાની પદ્ધતિ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા ગ્રીનહાઉસ પ્લગ નર્સરી, બાગાયતી વિભાગની વિવિધ સહાય યોજનાઓ, બાગાયતી પાકોમાં ટ્રેનિંગ અને પ્રુનિંગ, કલમ પદ્ધતિ તેમજ આંબાની વૈજ્ઞાનિક અને સઘન ખેતી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અપેડા (APEDA)ના અધિકારી દ્વારા બાગાયતી પાકોની નિકાસની તકો, ગુણવત્તાના ધોરણો અને નિકાસ પ્રક્રિયા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત એક દિવસીય મધમાખી ઉછેર વિષયક વિશેષ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ભારવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતો હરભમભાઈ અને આવડાભાઈના ખેતરોની મુલાકાત લીધી હતી. બંને ખેડૂતોએ આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ જીવંત ફિલ્ડ ડેમોન્સ્ટ્રેશન દ્વારા વિવિધ કૃષિ પદ્ધતિઓનું પ્રદર્શન કર્યું હતું.

તાલીમના અંતિમ દિવસે વિદ્યાર્થીઓએ વિવિધ કૃષિ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે સંસ્થા દ્વારા તમામ વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પ્રાપ્ત થયેલી પ્રાયોગિક તાલીમ, માર્ગદર્શન અને અનુભવોને અત્યંત ઉપયોગી ગણાવી સંસ્થા પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande