
ભાવનગર,20 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના રહેવાસી અને હબુકવડ ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા કનુભાઈ નાગજીભાઈ ભટ્ટ શિક્ષણની સાથે ખેતીમાં પણ નવીન પ્રયોગો કરીને ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી આદુનું ઉત્પાદન કરે છે અને તેનું મૂલ્યવર્ધન કરીને વધુ આવક મેળવી રહ્યા છે.
વર્ષ 2015માં પાલીતાણામાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારમાંથી પ્રેરણા મેળવી તેમણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો હતો. શરૂઆતમાં માત્ર 20 ગુઠા જમીનમાં આદુનું વાવેતર કર્યું હતું. પ્રથમ જ વર્ષે એક કિલો બીજમાંથી આશરે આઠ કિલો ઉત્પાદન મળતાં તેમને સારો અનુભવ થયો.
કનુભાઈ જણાવે છે કે બજારમાં કાચું આદુ વેચવાથી પ્રતિ કિલો માત્ર 120થી 150 રૂપિયા જેટલો ભાવ મળે છે, જ્યારે આદુને સૂકવી તેનો પાવડર બનાવી વેચવાથી આશરે 800 રૂપિયા પ્રતિ કિલો સુધી ભાવ મળે છે. એક કિલો સૂકા આદુમાંથી અંદાજે 250થી 300 ગ્રામ ગુણવત્તાયુક્ત પાવડર તૈયાર થાય છે, જેના કારણે આવકમાં નોંધપાત્ર વધારો થાય છે.
ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે તેમણે એક વીઘાથી વધુ વિસ્તારમાં આદુનું વાવેતર કર્યું છે. પ્રાકૃતિક રીતે તૈયાર થતા આદુ પાવડરની બજારમાં સારી માંગ હોવાથી ગ્રાહકો દ્વારા અગાઉથી જ બુકિંગ પણ કરવામાં આવ્યું છે. કનુભાઈને આ વર્ષે અંદાજે બે લાખ રૂપિયા સુધીની આવક થવાની આશા છે. તેઓ માને છે કે માત્ર ઉત્પાદન નહીં પરંતુ કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતોની આવક વધારવાનો અસરકારક માર્ગ બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA