

પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદર તાલુકાના આદિત્યાણા ગામની સીમમાં દીપડાએ એક ભેંસનું મારણ કરતાં પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પશુપાલકોને ભેંસનું મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મારણની તપાસ સાથે દીપડાની અવરજવર અંગે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં દીપડાના હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં આ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતી હોવાની સ્થાનિકોની રજૂઆત છે.
ઘટનાના પગલે પશુપાલકો અને ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ દીપડાને પાંજરે પકડીને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવાની માંગ કરી છે. સાથે જ પશુધન અને ગ્રામજનોની સુરક્ષા માટે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ સહિત જરૂરી પગલાં ભરવાની પણ માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya