સુરત નાસીરનગર ડિમોલિશન મામલે રાજ્ય સરકાર હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ના કરે
- નાના કર્મચારી સસ્પેન્ડ થયા તો મ્યુ. કમિશનર હજી હોદા પર કેમ? અમદાવાદ, 20 જુલાઇ (હિ.સ.) : સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલીશન મામલે આજે હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કમિશરની આકરા શબ્દોમાં ઝાટ
High Court gujarat 4 .jpg


- નાના કર્મચારી સસ્પેન્ડ થયા તો મ્યુ. કમિશનર હજી હોદા પર કેમ?

અમદાવાદ, 20 જુલાઇ (હિ.સ.) : સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલીશન મામલે આજે હાઈકોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કમિશરની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી વેધક સવાલો કર્યા હતા.

કોર્ટે કહ્યું હતું કે,રાજ્ય સરકાર હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે. ગેરકાયદે ડિમોલીશન મામલે નાના કર્મચારીઓ સસ્પેન્ડ થયા તો મ્યુ. કમિશનર તેના હોદા પર કેવી રીતે રહી શકે?

સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રાજ્ય, એસએમસી , સુરત પોલીસ કમીશ્નર, એસઓજી ના ડીસીપી રાજદીપસિંહ નકુમ, ખાનગી બિલ્ડર, પોલીસ અને એસએમસીના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

કોર્ટે કહ્યું હતું કે, આ ઘટનામાં એસએમસી કમિશ્નરના મોબાઇલ નંબરની સ્પષ્ટ હાજરી છે.

ઉલ્લેખનીય છે કે આ મુખ્ય અરજીમાં એસએમસી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિના વકીલે પણ રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું હતું કે એસએમસી કમિશ્નરે તેમના કામની પ્રશંસા કરી હતી અને મોટા દબાણ ઉપર નજર રાખવા કહ્યું હતું.

કોર્ટે કહ્યું હતું કે, એસએમસી કમિશ્નરનો મેસેજ એફિડેવિટ ઉપર મુકાયો છે. આક્ષેપ મૂકનાર એસએમસીના સસ્પેન્ડેડ કર્મચારી છે. તેને એફિડેવિટમાં ચોખ્ખું કહ્યું છે કે તેને એસએમસી કમિશ્નરના કહેવાથી ડિમોલિશન કર્યું છે. શું તે હાઇકોર્ટમાં ખોટી એફિડેવિટ કરશે?

એડવોકેટ જનરલે એસએમસી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની વિશ્વનીયતા માનવા ઇનકાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર રોડના કામ સાથે સંકળાયેલા છે, તેઓને ડિમોલિશન સાથે શું લેવાદેવા ?એસએમસી કમિશ્નર આ બધા આક્ષેપ નકારી નાખશે.

એસએમસી કમિશનર અત્યાર સુધી પોતાના હોદા પર શું કરે છે?- હાઈકોર્ટ

કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે. કોર્ટને રાજ્યની કમિટીની રચના સામે વાંધો નથી, પણ કમિટી શેની તપાસ કરવાની છે તે જ સ્પષ્ટ નથી. એસએમસી કમિશ્નર ઉપર આક્ષેપ છે, તો તેમનો ખુલાસો કેમ માંગ્યો નહીં ? નાના કર્મચારીઓ હોય તો સસ્પેન્ડ કરી દેવાય છે. તમે કોર્ટને બીજી રીતે વિચારવા મજબૂર કરી રહ્યા છો ! એસએમસીકમિશ્નર પોતાના હોદ્દા પર અત્યાર સુધી શું કરે છે ?

એસએમસી કમિશ્નરે મેસેજ ફોરવર્ડ કર્યો તે વાતને નકારી નથી, તેમના જ નંબરથી મેસેજ થયો તેનો પણ સ્વીકાર કરાયો છે. પાવર ધરાવતો આક્ષેપિત વ્યક્તિ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેમ થાય ? એસએમસી કમિશ્નરે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી છે તો તેઓએ ચોખ્ખા હાથે કોર્ટ સમક્ષ આવું જોઈએ.

કમિશ્નરને કોઈએ ડિમોલિશન માટે સૂચના આપી છે. એક વખત ડિમોલિશન કરવાની તાકત આવે એટલે આવું બધું ખોટું કામ પણ અધિકારીઓ કરે ! શું આ દેશમાં કાયદો નથી ? 150 પરિવારોને રોડ ઉપર લાવી દીધા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande