
સુરત, 20 જુલાઈ (હિ.સ.) : સુરતના પાંડેસરા વિસ્તારમાંથી રાત્રિના સમયે અંદાજે રૂ. 14 લાખની કિંમતનું પાણીનું ટેન્કર ચોરી જનાર 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ ગેસ ડિલિવરી, ડ્રાઇવિંગ અને અન્ય સામાન્ય નોકરી-ધંધા સાથે સંકળાયેલા હતા. ઘટનાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ વધારી હતી.
તપાસ દરમિયાન ટેન્કરની હિલચાલ અંગે મહત્વપૂર્ણ માહિતી મળતાં પોલીસની ટીમ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તળકુવા ગામ નજીક પહોંચી હતી. અહીં એક ગેસ ગોડાઉન પાસે દરોડો પાડી તમામ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ આયોજનબદ્ધ રીતે ટેન્કર ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી ચોરાયેલું ટાટા કંપનીનું પાણીનું ટેન્કર સહીસલામત હાલતમાં કબજે કર્યું છે. તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આ ટોળકી અગાઉ અન્ય વાહન ચોરી અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી કે નહીં અને ચોરાયેલું ટેન્કર ક્યાં વેચવાનું હતું તે અંગે વધુ તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે